નવી દિલ્હી: દેશમાં ઇંધણની બચત અને ઉર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાન બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક પ્રશંસનીય પહેલ કરી છે. સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને પર્યાવરણની જાળવણી માટે ગડકરીએ હવે પોતાના વિશાળ કાફલાને મર્યાદિત કરી બસ દ્વારા મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર નોટિસ અનુસાર, મંત્રીશ્રી આગામી સમયમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરીને અન્યો માટે ઉદાહરણ પૂરું પાડશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 14 અને 15 મે 2026ના રોજ પુણે, સતારા અને સોલાપુરના પ્રવાસે જશે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ સંત જ્ઞાનેશ્વર મહારાજ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. ખાસ વાત એ છે કે, આ નિરીક્ષણ માટે તેઓ કોઈ લક્ઝરી કારના કાફલાને બદલે વિશેષ બસનો ઉપયોગ કરશે. આ બસમાં તેમની સાથે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા સ્ટાફ અને પત્રકારો પણ મુસાફરી કરશે, જેથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય અને લોકોની સુવિધા જળવાય.
વડાપ્રધાન મોદીની કરકસર અપનાવવાની અપીલને પગલે મંત્રાલયે પુણે, સતારા અને સોલાપુરના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પત્ર લખીને ખાસ સૂચના આપી છે. આ પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવે. આ પગલાનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલના વપરાશમાં કાપ મૂકવાનો અને સરકારી તિજોરી પર પડતો બોજ ઓછો કરવાનો છે.
નોંધનીય છે કે, હૈદરાબાદમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, ઇલેક્ટ્રિક વાહનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા તેમજ કાર પૂલિંગને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. પીએમ મોદીએ પોતે પણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડીને આ મિશનની શરૂઆત કરી છે. વડાપ્રધાનની આ અપીલ બાદ હવે કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના નેતાઓ પણ ઈંધણ બચાવવા અને સાદગી અપનાવવા તરફ વળ્યા છે.