Advertisement

PM મોદીની અપીલ બાદ એક્શનમાં સરકારો: ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ' અંગે મંત્રી બાવળિયાનું મોટું નિવેદન, UPમાં અઠવાડિયે 2 દિવસ ઘરેથી કામનો આદેશ

PM મોદીની અપીલ બાદ એક્શનમાં સરકારો: ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ' અંગે મંત્રી બાવળિયાનું મોટું નિવેદન, UPમાં અઠવાડિયે 2 દિવસ ઘરેથી કામનો આદેશ

ગાંધીનગર: વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઉથલપાથલ અને ઉર્જા સંકટને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર અપનાવવા અપીલ કરી હતી. PM મોદીના આ આહ્વાન બાદ હવે રાજ્ય સરકારો પણ એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં કોર્પોરેટ સેક્ટરમાં 'વર્ક ફ્રોમ હોમ' (Work From Home) લાગુ કરવા અંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ દિશામાં ક્રાંતિકારી નિર્ણય લેતા અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરવાની મંજૂરી આપી દીધી છે.


 ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ઓનલાઈન કામકાજ અને વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા માટે ગંભીર છે. તેમણે કહ્યું કે, "શક્ય હોય ત્યાં ઓનલાઇન કામ માટે પ્રયાસો કરવામાં આવશે અને આ અંગે વિવિધ એસોસિયેશન સાથે બેઠક કરીને આખરી નિર્ણય લેવામાં આવશે." મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, પેટ્રોલ-ડીઝલની બચત માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને પ્રોટોકોલ જાળવીને તમામ જરૂરી સૂચનાઓનું પાલન કરવામાં આવશે.


 બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના વિકાસ અને સંસાધનોની બચત માટે મોટો નિર્ણય લીધો છે. યોગી સરકારે ખાસ કરીને IT સેક્ટર, મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ લાગુ કરવાની સૂચના આપી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઈંધણની બચત કરવી, રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવું અને ઓફિસોમાં વીજળીનો વપરાશ ઓછો કરવાનો છે.


 યોગી સરકારના આદેશ મુજબ, હવે રૂબરૂ બેઠકોને બદલે વીડિયો કોન્ફરન્સિંગ અને વર્ચ્યુઅલ મીટિંગ્સનું પ્રમાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અર્થતંત્રને મજબૂત કરવા માટે જનતાને બિનજરૂરી ઈંધણનો વપરાશ ટાળવા અને સોનાની ખરીદી પર મર્યાદા રાખવા પણ અપીલ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કારપૂલિંગ જેવા પર્યાવરણ પૂરક અભિગમો અપનાવવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.


 સરકારના આ નિર્ણયો માત્ર વહીવટી સુધારા નથી, પરંતુ 'એનર્જી સેવિંગ' તરફનું એક મોટું કદમ છે. બદલાતા સમય સાથે તાલ મિલાવીને કામ કરવાની આ નવી સંસ્કૃતિથી ઓફિસ જતા કર્મચારીઓમાં રાહત થશે અને દેશના કિંમતી સંસાધનોની પણ બચત થશે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની આ પહેલ હવે અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે.

Advertisement