વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી વિવિધ વિકાસકાર્યોને વેગ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું, જે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
મહાવીર જયંતિના પવિત્ર અવસરે શરૂ કરાયેલ આ મ્યુઝિયમ રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના દાયકાઓના પરિશ્રમનું પરિણામ છે. મ્યુઝિયમમાં વર્ષોથી સંકલિત દુર્લભ હસ્તપ્રતો, ઐતિહાસિક અવશેષો અને જૈન ધર્મના મૂલ્યોને આધુનિક ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યા છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
આ સાથે વડાપ્રધાન સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ પણ કરશે, જે રાજ્યના ઔદ્યોગિક અને પરિવહન વિકાસને નવી દિશા આપશે. પ્રવાસના અંતે વાવ-થરાદ ખાતે હજારો કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.