જેવર (ઉત્તરપ્રદેશ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૨૮ માર્ચના રોજ ઉત્તરપ્રદેશના જેવરમાં 'નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ'ના પ્રથમ તબક્કાનું ભવ્ય ઉદ્ઘાટન કરીને ભારતની ઉડ્ડયન ક્ષેત્રની પ્રગતિમાં નવું સોપાન ઉમેર્યું છે. આ એરપોર્ટ દિલ્હી-NCR વિસ્તારનું બીજું મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનશે, જે દિલ્હીના IGI એરપોર્ટ પર મુસાફરોનો ભાર હળવો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
જનતા બની ઉદ્ઘાટનની સાક્ષી
વડાપ્રધાને બપોરે ૧૨ વાગ્યે એરપોર્ટનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ એક નવી પરંપરા સ્થાપતા જનતાને સંબોધીને કહ્યું કે, "આ એરપોર્ટના અસલી હકદાર તમે છો, એટલે તમે જ મોબાઈલની લાઈટ ચાલુ કરીને તેનું ઉદ્ઘાટન કરો." હજારો લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરી આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી.
મિડલ ઈસ્ટ યુદ્ધ અને ભારતની તૈયારી
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને કારણે આખી દુનિયા પરેશાન છે. પેટ્રોલ, ખાતર અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. ભારત પણ આનાથી અલિપ્ત નથી કારણ કે આપણે કાચું ઓઈલ આ વિસ્તારોમાંથી આયાત કરીએ છીએ. પરંતુ મારી સરકાર એવા દરેક પગલાં ભરી રહી છે જેથી સામાન્ય જનતા અને ખેડૂતો પર આ સંકટનો બોજ ન પડે."
અફવાઓથી દૂર રહેવા અપીલ
વડાપ્રધાને દેશવાસીઓને ખાસ વિનંતી કરી હતી કે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે ૧૪૦ કરોડ ભારતીયોની એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે અને આપણે ધીરજ રાખીને આ વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યા છીએ.
વિપક્ષ પર આકરા પ્રહાર
વડાપ્રધાને પૂર્વવર્તી સપા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી આ પ્રોજેક્ટ માત્ર ફાઈલોમાં દબાયેલો રહ્યો હતો. અગાઉની સરકારોએ નોઈડાને લૂંટનું ATM બનાવી દીધું હતું અને અંધશ્રદ્ધાને કારણે અહીં આવતા ડરતા હતા. તેમણે કહ્યું, "મને પણ ડરાવવામાં આવ્યો હતો કે નોઈડા ન જાઓ, પણ મેં એ ધરતીના આશીર્વાદ લીધા જેણે મને લાંબી સેવા કરવાની તક આપી."
UP બન્યું એરપોર્ટ સ્ટેટ
આ એરપોર્ટના પ્રથમ તબક્કાની ક્ષમતા વાર્ષિક ૧.૨ કરોડ મુસાફરોની છે. આ સાથે ઉત્તરપ્રદેશ હવે દેશમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય બની ગયું છે. પીએમ મોદીએ અંતમાં ઉમેર્યું કે હવે હવાઈ મુસાફરી માત્ર અમીરો માટે નહીં પણ સામાન્ય ભારતીયો માટે પણ સુલભ બની છે.