પીપલગ ગામે આવેલ શ્રી સંતરામ પાદુકા મંદિરે પરંપરાગત રીતે યોજાતી સાકરવર્ષા મહોત્સવની આ વર્ષે 70મી વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવાઈ. આ અવસરે દસ મણ સાકરની સાકરવર્ષા કરવામાં આવી હતી, જેમાં સંતો અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.
મહોત્સવ દરમિયાન પૂ. ગણેશદાસજી મહારાજ, સંત નિર્ગુણદાસ મહારાજ, ધરમદાસજી મહારાજ સહિત અનેક સંતો તથા ભક્તોએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય આરતી કરી સાકરવર્ષાની ઉજવણી કરી. “જય મહારાજ”ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ઉઠ્યું.
કથાનુસાર, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ બાળ સ્વરૂપે સૌપ્રથમ ભિક્ષા માટે પીપલગ ગામે ભગતની ખડકી પધાર્યા હતા અને ત્યાં પોતાની ચરણ પાદુકા છોડી ગયા હતા. બાદમાં મહારાજ શ્રી વિચરણ કરતા નડિયાદ પહોંચ્યા હતા. નડિયાદમાં મહારાજ શ્રીની સમાધિ સમયે આકાશમાંથી સાકરવર્ષા થવાની માન્યતા છે. તે સમયથી મહા સુદ પૂનમના એક દિવસ પૂર્વે પીપલગ ગામે સાકરવર્ષા મહોત્સવ યોજવાની પરંપરા ચાલી આવે છે.
આ વર્ષના મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સાકરનો પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો.