વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (31 માર્ચ) ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતાં કુલ 19,806.9 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે, જે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક નવી ઊંચાઈએ લઈ જશે.
'જય જિનેન્દ્ર'ના જયઘોષ સાથે મ્યુઝિયમનું ઉદ્ઘાટન
મહાવીર જ્યંતીના પવિત્ર અવસરે વડાપ્રધાને ગાંધીનગરના કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત ‘જય જિનેન્દ્ર’ના નાદ સાથે કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ મ્યુઝિયમ જૈન દર્શન અને પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. તેમણે ઈતિહાસને ટાંકીને કહ્યું કે સમ્રાટ સંપ્રતિએ સત્તાને માત્ર ભોગનું સાધન નહીં, પણ સેવા અને સાધના તરીકે જોયું હતું અને અહિંસાનો પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે તેમણે પરમપૂજ્ય આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીની પ્રેરણા અને સંતોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આચાર્યદેવનો 60 વર્ષનો પરિશ્રમ અને મ્યુઝિયમની વિશેષતા
આ ભવ્ય મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનો 60 વર્ષનો કઠોર પુરુષાર્થ રહેલો છે. તેમણે ભારત અને નેપાળની પદયાત્રા કરીને અત્યંત દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને હસ્તપ્રતો એકત્રિત કર્યા છે, જેને અહીં આધુનિક તકનીક સાથે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સમ્રાટ અશોકના પૌત્ર અને અહિંસા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા સમ્રાટ સંપ્રતિના નામ પરથી બનેલું આ મ્યુઝિયમ આગામી 23મી એપ્રિલથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે, જે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ભારતની પ્રાચીન આધ્યાત્મિક ચેતનાને સમજવાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
સેમિકન્ડક્ટર હબ અને ઍક્સપ્રેસ-વેની મોટી ભેટ
આધ્યાત્મિક વારસાની જાળવણીની સાથે વડાપ્રધાને ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રે પણ ગુજરાતને મોટી ભેટ આપી છે. પીએમ મોદી સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જે ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવી યુવાનો માટે નવી રોજગારી સર્જશે. આ ઉપરાંત પરિવહન ક્ષેત્રે 5100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8) નું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ હાઈવે કાર્યરત થવાથી અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં અને ભાવનગર 1 કલાક અને 45 મિનિટમાં પહોંચી શકાશે. પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ વાવ-થરાદ ખાતેથી વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.