ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આવતીકાલે 7 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આ હવામાન બદલાવ જોવા મળશે, જેનાથી ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા વધી છે.
કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પવનની ગતિ અને તાપમાન
આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ સ્થિર રહેવાની સંભાવના છે. જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે ગરમી ફરી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ 12 એપ્રિલ પછી રાજ્યમાં હવામાન ફરીથી સૂકું બનવાની સંભાવના છે.