Advertisement

ફરી બદલાશે હવામાન! 7 એપ્રિલે ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની શક્યતા

ફરી બદલાશે હવામાન! 7 એપ્રિલે ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની શક્યતા

ગુજરાતમાં સતત બદલાતા હવામાન વચ્ચે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા?

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં સાતમી એપ્રિલે વરસાદી માહોલ જોવા મળી શકે છે.


માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ

વરસાદી સિસ્ટમના કારણે દરિયામાં પવનની ગતિ તેજ થવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા 6 અને 7 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવચેતી રાખવા જણાવાયું છે.


ગરમીમાં તાત્કાલિક રાહત, બાદમાં ફરી ઉછાળો

હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે. આગામી બે દિવસ વરસાદી માહોલને કારણે ગરમીમાં મોટો વધારો નહીં થાય. પરંતુ 8 એપ્રિલ પછી વરસાદી સિસ્ટમ પસાર થતા ફરીથી ગરમીનો પારો ચઢવાની શક્યતા છે. એપ્રિલના બીજા સપ્તાહથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.


ખેડૂતોમાં ચિંતા

વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે તંત્ર દ્વારા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

Advertisement