Advertisement

ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડી આજે! બપોરે બાદ સ્પષ્ટ થશે કોણ મેદાનમાં અને કોણ બહાર

ફોર્મ પરત ખેંચવાની  અંતિમ ઘડી આજે! બપોરે બાદ સ્પષ્ટ થશે કોણ મેદાનમાં અને કોણ બહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સમગ્ર રાજકીય દૃશ્ય વધુ સ્પષ્ટ બનવાનું છે. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચી શકશે, ત્યારબાદ મોડી રાત સુધીમાં દરેક બેઠક માટેનું અંતિમ ચિત્ર સામે આવી જશે. પરિણામે હવે તમામ રાજકીય પક્ષો અને મતદારોની નજર આજના દિવસ પર ટકેલી છે.


આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની આશરે 10 હજાર જેટલી બેઠકો માટે સ્પર્ધા છે. 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પક્ષોએ પહેલાથી જ જોરદાર પ્રચાર શરૂ કરી દીધો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે અંતિમ યાદી જાહેર થવાની પ્રક્રિયા ચૂંટણીને વધુ રસપ્રદ બનાવે છે.


આ વચ્ચે રાજકીય વ્યૂહરચનાઓ પણ તેજ બની છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પક્ષાંતર અથવા દબાણની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કેટલાક ઉમેદવારોને ગુપ્ત સ્થળોએ રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઘણા ઉમેદવારોના ફોન બંધ હોવા અને વાડાબંધી જેવી સ્થિતિ સર્જાતા રાજકીય વાતાવરણમાં ચકચાર મચી છે.


બીજી તરફ ભાજપ વધુમાં વધુ બેઠકો બિનહરીફ જીતવા માટે પ્રયાસરત હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાનું પ્રભુત્વ વધારવા સક્રિય બની છે. ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે ત્રિપક્ષીય જંગ જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ચૂંટણી વધુ જ સ્પર્ધાત્મક બની રહી છે. આજે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણીનું અસલી ચિત્ર સ્પષ્ટ થશે અને મતદારો સામે અંતિમ વિકલ્પો ખુલ્લા પડશે.


Advertisement