ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી 2026ની ભારતના 100 સૌથી અમીર લોકોની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી એકવાર ભારતના સૌથી અમીર લોકોમાં પ્રથમ સ્થાને પહોંચ્યા છે. ત્રણ વર્ષ બાદ અદાણીએ નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે.
ફોર્બ્સના આંકડા અનુસાર, ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ ₹10.85 લાખ કરોડ, એટલે કે આશરે 11,270 કરોડ ડૉલર છે. ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં લગભગ ₹1.99 લાખ કરોડનો વધારો થયો છે.
ડૉલરના હિસાબે પણ અદાણી આ વર્ષે ભારતના અમીર ઉદ્યોગપતિઓમાં સૌથી વધુ સંપત્તિ વધારનાર રહ્યા છે. જોકે, તેમની હાલની સંપત્તિ હજુ પણ વર્ષ 2022ના રેકોર્ડ સ્તરથી ઓછી છે. 2022માં તેમની સંપત્તિ લગભગ ₹14.43 લાખ કરોડ સુધી પહોંચી હતી.
બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે બીજા ક્રમે આવી ગયા છે. અંબાણી અને તેમના પરિવારની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીએ આશરે ₹1.80 લાખ કરોડનો ઘટાડો થયો છે અને તે હવે ₹8.3 લાખ કરોડ જેટલી રહી છે.
ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સના વિવિધ બિઝનેસમાં માર્જિન પર પડેલા દબાણની અસર કંપનીના શેરના પ્રદર્શન પર જોવા મળી છે.
ચાર નવા ઉદ્યોગપતિઓની એન્ટ્રી
2026ની આ યાદીમાં ચાર નવા નામો પણ સામેલ થયા છે. તેમાં ઈન્ડો-એમઆઈએમના કૃષ્ણા ચિવુકુલા, અપાર ઈન્ડસ્ટ્રીઝના કુશલ અને ચૈતન્ય દેસાઈ, આદિત્ય ઈન્ફોટેકના આદિત્ય ખેમકા અને બાલાજી વેફર્સના વિરાણી પરિવારનો સમાવેશ થાય છે.
કુશલ અને ચૈતન્ય દેસાઈની સંપત્તિ આશરે ₹40,898 કરોડ, જ્યારે આદિત્ય ખેમકા પરિવારની સંપત્તિ લગભગ ₹34,643 કરોડ હોવાનું જણાવાયું છે.
આ દરમિયાન ભારતીય બજાર માટે પણ વર્ષ પડકારજનક રહ્યું છે. આ સમયગાળામાં ભારતીય રૂપિયો લગભગ 8.5% અને શેરબજાર આશરે 9.5% ઘટ્યું હોવા છતાં, દેશના 100 સૌથી અમીર લોકોની સંયુક્ત સંપત્તિ લગભગ ₹96.23 લાખ કરોડના સ્તરે જળવાઈ રહી.
આ કુલ સંપત્તિમાં ગૌતમ અદાણીનો હિસ્સો આશરે 11.3%, જ્યારે મુકેશ અંબાણીનો હિસ્સો લગભગ 8.6% છે.
અર્થાત, બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ ભારતના અબજોપતિઓની સંપત્તિનો આંકડો વિશાળ રહ્યો છે અને અદાણીએ ત્રણ વર્ષ બાદ ફરી દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે સ્થાન મેળવ્યું છે.