ફેસબુક પર અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી યુવતીને ભારે પડી!

ફેસબુક પર અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી યુવતીને ભારે પડી!

ફેસબુક પર અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી યુવતીને ભારે પડી!

ઓનલાઈન મિત્રતા... વાતચીત... અને પછી શરૂ થયું બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસનું આખું ખેલ.


રાજકોટ જિલ્લાના પડધરીમાં રહેતી યુવતીને આશરે સાત મહિના પહેલાં “Arush Idrisi” નામના ફેસબુક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવતીએ રિક્વેસ્ટ સ્વીકારી અને ત્યારબાદ આરોપીએ Facebook, Instagram અને WhatsApp મારફતે તેની સાથે વાતચીત શરૂ કરી.


ધીમે ધીમે પરિચય વધાર્યા બાદ આરોપીએ યુવતી પાસેથી તેનો WhatsApp નંબર અને Instagram એકાઉન્ટની વિગતો મેળવી. એટલું જ નહીં, યુવતી પાસેથી ફોટા અને આશરે 7 સેકન્ડનો વીડિયો પણ મેળવ્યો.


ત્યારબાદ આરોપીએ યુવતી પર અશ્લીલ ચેટ કરવા અને રિલેશન રાખવા દબાણ કર્યું.


યુવતીએ ઇનકાર કરતાં આરોપી ઉશ્કેરાયો અને તેના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી. અહીંથી શરૂ થયું બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસ.


આરોપીએ યુવતીનો Instagram પાસવર્ડ પણ મેળવી લીધો અને પોતાના મોબાઇલમાં તેના એકાઉન્ટનો ઉપયોગ કરવા લાગ્યો.


આટલું જ નહીં... આરોપીએ યુવતીના આશરે 30 જેટલા સંબંધીઓનું ગ્રુપ બનાવ્યું અને તેમાં યુવતીના ફોટા સાથે અન્ય વ્યક્તિનો ફોટો મૂકી અશ્લીલ અને અપમાનજનક લખાણ કર્યું.


આ રીતે યુવતીને બદનામ કરવાની અને માનસિક રીતે પરેશાન કરવાની કોશિશ કરવામાં આવી.


અંતે યુવતીએ સમગ્ર મામલે પડધરી પોલીસનો સંપર્ક કરતાં રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.


તપાસ દરમિયાન પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ રાજસ્થાનના જયપુરમાં રહેતા અફઝલ અહેમદ ઈદ્રિસીની ધરપકડ કરી છે. આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ આરોપીએ અન્ય કોઈ યુવતીને પણ આ જ રીતે બ્લેકમેઇલ કરી છે કે નહીં.


પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આવી ઓનલાઈન ધમકી કે બ્લેકમેઇલિંગનો ભોગ બની હોય તો પોલીસનો સંપર્ક કરે. માહિતી અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.


યાદ રાખજો... સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથેની એક ફ્રેન્ડ રિક્વેસ્ટ ક્યારેક માત્ર મિત્રતા નથી હોતી, તે પાછળ બ્લેકમેઇલિંગનું આખું નેટવર્ક પણ હોઈ શકે છે.