આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામે શુક્રવારે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. ગામની મધ્યમાં આવેલા મત્સ્ય ઉદ્યોગના તળાવમાં માછલીઓને ખોરાક આપવા ગયેલી નાવડી અચાનક પલટી જતાં ત્રણ વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બે વ્યક્તિઓ લાપતા બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, લાંબા સમય સુધી બંને વ્યક્તિઓનો કોઈ પત્તો ન મળતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા.
મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે ત્રણ વાગ્યા બાદ ત્રણ વ્યક્તિઓ નાવડીમાં સવાર થઈ માછલીઓને ખોરાક નાખવા માટે તળાવની મધ્યમાં ગયા હતા. આ દરમિયાન અચાનક નાવડીનું સંતુલન બગડતાં નાવડી પાણીમાં પલટી ગઈ હતી. પરિણામે ત્રણેય વ્યક્તિઓ તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જોકે, તેમાંથી એક વ્યક્તિને તરતાં આવડતું હોવાથી ભારે જહેમત બાદ તેઓ કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા.
બીજી તરફ, પાણીમાં ગરકાવ થયેલા અન્ય બે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની કામગીરી બાદ મોડી સાંજે ફાયર બ્રિગેડની ટીમને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ આશિફોદ્દીન ઐયુબમીયા ઠાકોર (ઉં.વ. 52), રહે. સૈયદવાડા, ગારિયા પીર મસ્જિદ પાસે, પેટલાદ તરીકે થઈ હતી. જ્યારે અન્ય એક મજૂરની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.
પત્રકાર અને પૂર્વ કાઉન્સિલરના નિધનથી શોક
આ ઘટનામાં જીવ ગુમાવનાર આશિફોદ્દીન ઠાકોર પત્રકાર હોવાની સાથે પેટલાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા હતા. તેમના દુઃખદ અવસાનના સમાચાર મળતાં જ પેટલાદ શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પરિવારજનો પણ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
હાલ આ દુર્ઘટનામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તળાવમાં નાવડી પલટી જવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.