પેટલાદ:પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ આજે શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તમામ વિજેતા ઉમેદવારો અને ગુજરાત રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલે શ્રી રણછોડજી મંદિરની મુલાકાત લીધી હતી.
ભક્તિભાવ સાથે વિજયની ઉજવણી
ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તુરંત જ મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્વાચિત ઉમેદવારો રણછોડજી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે ઠાકોરજીના દર્શન કરી જીત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે વાસુદેવ મહારાજની મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જનતાએ જે વિશ્વાસ ભાજપ પર મૂક્યો છે, તેને સાર્થક કરવા તમામ વિજેતા ઉમેદવારો કટિબદ્ધ છે. ભગવાનના આશીર્વાદ અને જનતાના સાથથી પેટલાદના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવામાં આવશે.
મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જ્યાં 'જય રણછોડ' અને ભાજપના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.