આણંદ જિલ્લાના પેટલાદમાં ઓનલાઈન નાણાકીય ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. શાહપુર વિસ્તારની જલારામ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા 42 વર્ષીય મનીષભાઈ પટેલના બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખસે રૂ. 67 હજાર ઉપાડી લેતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ગત 23 નવેમ્બરના રોજ મનીષભાઈ પટેલ ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના મોબાઈલ પર બેંક ખાતામાંથી નાણાં ઉપાડવાના એક પછી એક મેસેજ આવવા લાગ્યા હતા. શરૂઆતમાં તેમના ખાતામાં રૂ. 1 લાખની રકમ હતી. ખાતામાંથી સતત પૈસા ઉપડી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતાં તેઓ ગભરાઈ ગયા હતા. આ દરમિયાન તેમણે વધુ નુકસાન અટકાવવા માટે પોતાના સંબંધીઓનાં ખાતામાં કેટલીક રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે, તેમ છતાં અજાણ્યા શખસે તેમના ખાતામાંથી કુલ રૂ. 67 હજાર ઉપાડી લીધા હતા.
ઘટનાના બીજા દિવસે મનીષભાઈએ બેંકમાં જઈને પોતાનું ખાતું બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પેટલાદ શહેર પોલીસે ઓનલાઈન ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
OTP આપ્યા વિના કે APK ફાઈલ ઇન્સ્ટોલ કર્યા વિના ઠગાઈ કેવી રીતે થઈ?
આ કેસમાં ઠગાઈ કઈ રીતે થઈ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પેટલાદ શહેર પોલીસના પી.આઈ. વી.પી. ચૌહાણના જણાવ્યા અનુસાર, ફરિયાદીનું કહેવું છે કે તેમણે કોઈ OTP આપ્યો નથી કે કોઈ APK ફાઈલ ઇન્સ્ટોલ કરી નથી. જોકે, શક્ય છે કે તેઓ કોઈ વિગતો ભૂલી ગયા હોય.
પોલીસ હાલ સંબંધિત બેંકો પાસેથી નાણાકીય વ્યવહારોની વિગતો મેળવી રહી છે, જેથી કયા UPI ID મારફતે નાણાં ટ્રાન્સફર થયા અને ઠગાઈ કઈ રીતે આચરવામાં આવી તે જાણી શકાય. બેંકની વિગતો મળ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થવાની શક્યતા છે.
નોંધ: અજાણ્યા વ્યક્તિ સાથે OTP, UPI PIN કે બેંકિંગની ગુપ્ત વિગતો શેર ન કરો અને અજાણી લિંક અથવા APK ફાઈલથી સાવચેત રહો.