આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુંદરણા ગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં પેટલાદની સ્પેશ્યલ POCSO કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટ દ્વારા આરોપીને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ભોગ બનનાર સગીરાને 50 હજાર રૂપિયાની સહાય આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી નિલેશભાઈ જશવંતભાઈ ઠાકોર (રહે. નાપા, એકતાનગર, તા. બોરસદ, જિ. આણંદ) સામે BNS અને POCSO કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસની તપાસ તત્કાલીન પેટલાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી તથા CPI કચેરીની ટીમ દ્વારા ગંભીરતાથી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે તપાસ દરમ્યાન સગીરા અને આરોપીને બોટાદ જિલ્લાના રંગપુર ગામેથી શોધી કાઢી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ જરૂરી પુરાવાઓ એકત્ર કરી સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જે.એચ. રાઠોડ દ્વારા કોર્ટમાં સાક્ષીઓ અને પુરાવાઓને આધારે મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. પરિણામે કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસની તપાસ અને કાર્યવાહી CPI કચેરીની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ડી.આર. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર), પી.બી. જાદવ (પોલીસ ઇન્સ્પેક્ટર), એસ.ઓ. ચૌધરી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને SHO પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન), ગોપાલભાઈ અંબુભાઈ (હેડ કોન્સ્ટેબલ), માહિરઅલી મૈયુદીન (હેડ કોન્સ્ટેબલ), ભાવેશભાઈ ફુલાભાઈ (પોલીસ કોન્સ્ટેબલ), ગોવિંદભાઈ રણછોડભાઈ (પોલીસ કોન્સ્ટેબલ), મયુરસિંહ વજેસિંહ (પોલીસ કોન્સ્ટેબલ) તેમજ નિવૃત્ત એ.એસ.આઈ. ફુલાભાઈ હરખાભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.