દશેરાની રાત્રે ગરબા જોવા ગયેલી બાળકી ગુમ થતાં પરિવારે શોધખોળ કરી; માઈક પર નામ જાહેર થયા બાદ ઘરે પરત ફરેલી બાળકીની આપવીતીથી ઘટના સામે આવી
પાટણ: એક તરફ દશેરાના પર્વે અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી થઈ રહી હતી, તો બીજી તરફ પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં બાળકી સામે ગંભીર ગુનાની ઘટના સામે આવી છે. ગરબા જોવા ગયેલી 11 વર્ષ અને 4 મહિનાની બાળકી સાથે પડોશમાં રહેતા 20 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ મામલે હારીજ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. અદાલતે આરોપીને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગરબા ચોકમાંથી બાળકી ગુમ થતાં શોધખોળ શરૂ
મળતી માહિતી મુજબ, ગત 20 ઓક્ટોબરની રાત્રે હારીજ તાલુકાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવારની બાળકી દશેરાના પર્વે ગરબા જોવા અને રમવા માટે ગામના ગરબી ચોકમાં ગઈ હતી. બાળકીના પિતા પણ ત્યાં હાજર હતા. જોકે, ઘરે મહેમાનો આવતાં તેઓ થોડા સમય માટે ઘરે ગયા હતા.
પિતા પરત ગરબી ચોકમાં આવ્યા ત્યારે બાળકી ત્યાં જોવા મળી નહોતી. આથી તેમણે પરિવારજનો અને ગ્રામજનોની મદદથી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. લાંબા સમય સુધી બાળકીનો પત્તો ન લાગતાં રાત્રે આશરે 11 વાગ્યે ગરબાના માઈક પરથી બાળકીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
માઈક પર નામ જાહેર થતાં જ આરોપી ભાગ્યો
આરોપ છે કે બાળકી ગરબા જોવા જતી હતી ત્યારે પડોશમાં રહેતા 20 વર્ષીય યુવકે તેનો હાથ પકડી બળજબરીથી ખેંચીને ગામની એક શેરીમાં આવેલા વાડાના ઉકરડા પાછળ લઈ ગયો હતો. ત્યાં બાળકી સાથે મારપીટ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
દરમિયાન ગરબી ચોકમાં માઈક પરથી બાળકીનું નામ જાહેર થતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાળકી રડતી હાલતમાં પરિવાર પાસે પરત પહોંચી હતી. બાળકીની આપવીતી સાંભળ્યા બાદ પરિવારજનો પોલીસનો સંપર્ક કરવા પહોંચ્યા હતા.
હારીજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
ઘટનાને પગલે બાળકીના પરિવારે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે તેને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
મેડિકલ તપાસ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ
તપાસ અધિકારી પી.આઈ. એ.બી. મહેરીયાના જણાવ્યા અનુસાર, આરોપીની ધરપકડ કરીને તેનું મેડિકલ પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાળકીની મેડિકલ તપાસ, અદાલત સમક્ષ નિવેદન નોંધાવવા અને અન્ય જરૂરી પુરાવા એકત્ર કરવાની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
બાળકોની સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અંગે ફરી ગંભીર સવાલો ઊભા કરતી આ ઘટનામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.