પાટીદાર આંદોલનથી આનંદીબેન પટેલને CM પદ ગુમાવવું પડ્યું તેનો આજે પણ અફસોસ: દિનેશ બાંભણિયા; અનાર પટેલે કહ્યું – મમ્મીના મનમાં કંઈ નથી

પાટીદાર આંદોલનથી આનંદીબેન પટેલને CM પદ ગુમાવવું પડ્યું તેનો આજે પણ અફસોસ: દિનેશ બાંભણિયા; અનાર પટેલે કહ્યું – મમ્મીના મનમાં કંઈ નથી

ગુજરાતના પાટીદાર આંદોલનને લઈને ફરી એકવાર રાજકીય ચર્ચા તેજ બની છે. જસદણ તાલુકા સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સખી સ્નેહમિલન સમારોહમાં પાટીદાર આંદોલનના આગેવાન દિનેશ બાંભણિયાએ જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદાર આંદોલનના કારણે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ છોડવું પડ્યું તેનો આજે પણ અફસોસ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. બીજી તરફ, આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલે પણ આ નિવેદનના જવાબમાં મહત્વની વાત કરી હતી.

દિનેશ બાંભણિયાએ જાહેર મંચ પરથી વ્યક્ત કર્યો અફસોસ

સમારોહમાં સંબોધન કરતાં દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનને કારણે સમાજને 10 ટકા અનામત અને EWS જેવી જોગવાઈઓનો લાભ મળ્યો છે. આંદોલનમાં યુવાનોએ ભારે સંઘર્ષ કર્યો હતો અને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં એક સારા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલને ગુમાવ્યા તેનો રંજ આજે પણ તેમના મનમાં છે.

તેમણે વધુમાં કહ્યું કે, આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રીને હટાવવા કે તેમને મુખ્યમંત્રી પદથી દૂર કરવા માટે આંદોલનકારીઓ એક બહાનું બન્યા હોવાનો અફસોસ તેમને થાય છે. છેલ્લા દસ વર્ષથી આ બાબત તેમના મનમાં ચાલી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

‘પાટીદાર સમાજને થયેલા નુકસાનમાંથી શીખવાની જરૂર’

દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાના ઘટનાક્રમથી પાટીદાર સમાજને જે નુકસાન થયું છે, તેવો અનુભવ ભવિષ્યમાં અન્ય કોઈ મુખ્યમંત્રીને દૂર કરવાના સંજોગોમાં સમાજે ન કરવો પડે તે માટે સાવચેતી રાખવાની જરૂર છે.

તેમણે સામાજિક મંચ પરથી સમાજના લોકોને અપીલ કરતાં કહ્યું કે રાજકીય અસ્તિત્વ અને રાજકીય પ્રતિનિધિત્વ અલગ બાબતો છે. દરેક સમાજ પોતાના હિતની વાત કરે છે, પરંતુ સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.

10 ટકા અનામતથી અનેક યુવાનોને લાભ મળ્યો: બાંભણિયા

પાટીદાર આંદોલન દરમિયાન સમાજના યુવાનો અને આગેવાનોએ ભારે સંઘર્ષ કર્યો હોવાનો ઉલ્લેખ કરતાં બાંભણિયાએ કહ્યું કે આંદોલન દરમિયાન લાઠીચાર્જ સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સંઘર્ષના પરિણામે 10 ટકા અનામતની જોગવાઈ થઈ, જેના કારણે આજે સમાજના અનેક યુવાનો અને અધિકારીઓને લાભ મળ્યો છે.

અનાર પટેલે આપ્યો જવાબ, કહ્યું – મમ્મીના હૃદયમાં કંઈ નથી

બીજી તરફ, દિનેશ બાંભણિયાના નિવેદન બાદ અનાર પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની માતા આનંદીબેન પટેલના હૃદયમાં કોઈના માટે કંઈ નથી. સાથે જ તેમણે દિનેશ બાંભણિયાને આશ્વાસન આપતાં કહ્યું કે, ‘મમ્મીના હૃદયમાં કશું પણ નથી, બહુ ઝડપથી તમને મળાવીશ.’

જસદણના આ સખી સ્નેહમિલન સમારોહમાં થયેલા આ નિવેદનો બાદ પાટીદાર આંદોલન, આનંદીબેન પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામું અને તે સમયના રાજકીય ઘટનાક્રમની ચર્ચા ફરી શરૂ થઈ છે.