વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે વોર્ડ નંબર 1 ના નિઝામપુરા વિસ્તારમાં સ્થાનિક રહીશોનો રોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. અસ્મિતા પાર્ક સોસાયટી સહિત આસપાસના વિસ્તારના રહેવાસીઓએ વર્ષોથી ચાલી રહેલી પાણી, રસ્તા અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને સોસાયટીની બહાર “પાણી નહીં તો વોટ નહીં” લખેલા બેનરો લગાવી રાજકીય પક્ષો સામે વિરોધ નોંધાવ્યો છે.
માહિતી મુજબ નિઝામપુરા વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી અને આસપાસના વિસ્તારો લગભગ 40 વર્ષ જૂના છે, છતાં અહીંના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે પીવાના શુદ્ધ પાણીની અછત, તૂટી ગયેલા રસ્તા અને ડ્રેનેજની ગંભીર સમસ્યાઓને લઈને અનેકવાર પાલિકા તેમજ તત્કાલીન કોર્પોરેટરોને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, વર્ષોથી નિયમિત વેરો ભર્યા છતાં મૂળભૂત સુવિધા તરીકેનું પાણી પણ પૂરતા પ્રેશરથી મળતું નથી. પાલિકાની કચેરીમાં વારંવાર ધક્કા ખાઈને રહીશો હવે કંટાળી ગયા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં સ્થાનિકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે “પક્ષ ગમે તે હોય, જો પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.” આ ચેતવણીને પગલે વોર્ડ નંબર 1 માં ઉમેદવારી નોંધાવનારા રાજકીય પક્ષો માટે પાણીનો મુદ્દો મુખ્ય ચૂંટણી મુદ્દો બની શકે છે.
ચૂંટણી નજીક આવતા હવે જો કોઈ નવો કોર્પોરેટર ચૂંટાશે તો તેને ગાદી સંભાળતાની સાથે જ છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલી આ સમસ્યાઓનો સામનો કરવો પડશે. અસ્મિતા પાર્ક સોસાયટીમાં ઉઠેલો આ વિરોધ હવે આખા વોર્ડમાં ફેલાઈ શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.