ઓટીપીના જાળમાં ફસ્યા વાલીઓ, સાયબર માફિયાઓનો નવો પ્લાન
નડિયાદ સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કુલના કેટલાક વાલીઓ સાઇબર ફ્રોડનો ભોગ બનતાં ચકચાર મચી છે. શાળાના એક પછી એક 100 જેટલાં વાલીઓને સાઇબર માફિયાઓએ ફોન કરી ઓટીપી - પૈસાની માંગણી કરી હતી. જેમાંથી કેટલાક વાલીઓએ ઓટીપી શેર કરતાં ફોન હેક કરી, એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા હતા. શાળાએ વાલીઓને કોઇપણ કોલ કે લીંક કે મેસેજનો રિપ્લાય ન આપવા અપીલ કરી હતી.
ઓટીપી કે પૈસા માંગી 10 જેટલાં વાલીઓના 50 હજારથી વધુ સાઇબર માફિયાએ પડાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં વાલીઓએ આપેલાં નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, સવારે 7 વાગ્યાના અરસામાં શરૂ થયેલો આ સીલસીલો સાંજ સુધી ચાલ્યો હતો. સાંજે 7 વાગ્યાના અરસામાં પણ વાલીઓને સાઇબર માફિયાઓ દ્વારા ફોન કરી ફસાવવાની કોશિષ કરવામાં આવી હતી. જોકે, શાળા સંચાલકો તરત જ હરકતમાં આવી જતાં વાલીઓ પણ સતર્ક થઇ ગયા હતા અને આવા ફોન રિસીવ કરવાનું ટાળવાની સાથે સાથે ઓટીપી કે માહિતી શેર કરી ન હતી.
વાલી 1 . સ્પામ કોલ હોવાથી મેં રિસીવ ન કર્યો, 3 વાર કોલ કર્યા
મારી દીકરી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે પહેલો સ્પામ કોલ આવતાં મેં તે રિસીવ ન કર્યો, બાદમાં એ જ નંબર પરથી ફરી 3 કોલ આવ્યા હતા. પરંતુ મેં તે રિસીવ કર્યા ન હતા અને બાદમાં શાળામાંથી આ પ્રકારના ફ્રોડ કોલ વાલીઓને આવ્યા હોવાની જાણ કરી, અપીલ કરવામાં આવી હતી.
વાલી 2 . સવારે ફોન આવ્યો, વોટ્સએપ નંબર માંગ્યો પણ મેં ન આપ્યો
સવારે હું વોક કરવા ગઇ હતી તે સમયે મારા ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ટ્યુશન ક્લાસીસમાંથી બોલું છું તેમ કહી મારી પાસે મારો વોટ્સએપ નંબર માંગ્યો જેથી મેં તમારે મારા વોટ્સએપ નંબરનું શું કામ છે તેમ પૂછતાં તમે આપો તેમ કહેતાં મેં પછી મોકલી આપીશ તેમ કહીને ફોન મૂકી દીધો હતો.
વાલી 3 . મને ફોન આવ્યો, ઓટીપી આપ્યો અને 14 હજાર ગયા
સવારે મારા પર ફોન આવ્યો અને શાળાના શિક્ષિકાના પતિ તરીકેની ઓળખ આપીને કહ્યું કે, હું એક એવી એપ્લીકેશન ડાઉનલોડ કરું છું કે તેનાથી તમારી પુત્રી કે પુત્રની બધી જ માહિતી ખબર પડશે તો તમે મને એક ઓટીપી આપો. મેં તેમને ઓટીપી આપ્યો એટલે મારો ફોન હેક કરી અને મારા પતિના ખાતામાંથી 14 હજાર ઉપડી ગયા.
વોટ્સએપ હેક કરી વાલીઓના નંબર લીધા
વિદ્યાર્થીઓના વાલીઓ સાથેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે છે. કોઇ રીતે સાઇબર માફિયાઓએ આ વોટ્સએપ ગ્રુપને હેક કરીને વાલીઓના નંબર સહિતની માહિતી મેળવી લીધી છે. માત્ર સંતરામ ઇંગ્લિશ મિડીયમ જ નહીં પરંતુ ગુજરાતી માધ્યમના વાલીઓને પણ ફ્રોડ કોલ ગયા હતા. જેથી શાળાના કોઇ ગ્રુપને હેક કરીને આ માહિતી મેળવી છે.
કોઇ અજાણી વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર ન કરો, વેરિફીકેશ કર્યા વગર વિગતો કે પૈસા ન આપો, કોઇ અજાણ્યા સાથે ઓનલાઇન આર્થિક વ્યવહાર ન કરો, શાળાના નામે, વિદ્યાર્થીના નામે કે વાલીના નામે કોઇ પૈસા કે ઓટીપી માંગે તો શેર ન કરો, શાળાના નામે કોઇ શંકાસ્પદ વ્યક્તિ ફોન કરે તો તુરંત જ શાળાનો સંપર્ક કરો, બાળકના નામજોગ શાળામાંથી બોલું છું તેમ કહીને કોઇ ફોન કરે તો શાળામાં ક્રોસ વેરિફાઇ કરો, કોઇ અજાણ્યા નંબર પરથી આવેલી લીંક ન ખોલો, કોઇ વિગત ન ભરો, કોઇ અજાણ્યા ગ્રુપમાં એડ થવા માટેની લીંક આવે તો તેમાં જોઇન ન થાવ, વોટ્સએપ પર કોઇ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો જવાબ ન આપો, નંબર બ્લોક કરો, પોલીસને જાણ કરો - વી ડી મંડોરા, પીઆઇ, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન
વાલીઓ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ
સાઇબર માફિયાઓએ વાલીઓ પાસેથી જુદી-જુદી રીતે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઇ વાલીને શાળાના મહિલા શિક્ષિકાના પતિ તરીકેની ઓળખ આપી તો કેટલાક વાલીઓએ અન્ય વિદ્યાર્થીના પિતા તરીકેની ઓળખ આપી અર્જન્ટ પૈસાની જરૂર હોવાથી પૈસા આપવાનું કહીને પૈસા પડાવ્યા હતા.