ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ગુજરાતભરમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ગુજરાતભરમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી સુરક્ષા અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન દરમિયાન આજે સવારે 8 વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ 568 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


ધરપકડ કરાયેલા લોકોમાં 172 પુરુષો, 282 મહિલાઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિશેષ ટીમો બનાવીને શંકાસ્પદ સ્થળો અને વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે.


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરતા તત્વો સામે કડક કાર્યવાહી આગળ પણ યથાવત્ રહેશે. હાલ પકડાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.