ઓલપાડ ભાજપમાં આંતરિક જૂથબંધીનો વિસ્ફોટ! ધારાસભ્ય મુકેશ પટેલે જાહેર મંચ પરથી જ પક્ષના નેતાઓને ઘેર્યા

ઓલપાડ ભાજપમાં આંતરિક જૂથબંધીનો વિસ્ફોટ! ધારાસભ્ય મુકેશ પટેલે જાહેર મંચ પરથી જ પક્ષના નેતાઓને ઘેર્યા

સુરત: સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ચાલી રહેલી આંતરિક જૂથબંધી હવે ખુલ્લેઆમ સામે આવી છે. સાયણ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલે પક્ષના આંતરિક વિખવાદને લઈને જાહેરમાં નારાજગી વ્યક્ત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે.

સમારોહને સંબોધિત કરતી વખતે મુકેશ પટેલે પક્ષમાં ચાલી રહેલી ટાંટિયાખેંચ અને અમુક લોકોની કાર્યપદ્ધતિ સામે આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. તેમણે વિરોધી જૂથને નિશાન બનાવીને કહ્યું હતું કે, "ચાર વર્ષ મુકેશભાઈ સારા હતા, હવે છેલ્લું વર્ષ આવ્યું એટલે મુકેશભાઈ ખરાબ થઈ જશે." તેમના આ નિવેદનથી કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને આગેવાનોમાં ચર્ચા શરૂ થઈ હતી.

બ્રિજેશ પટેલના પદને લઈને પક્ષના જ કેટલાક લોકો સામે આક્ષેપ

મુકેશ પટેલે સુરત જિલ્લા પંચાયતના સભ્ય બ્રિજેશ પટેલ સાથે થયેલા કથિત અન્યાયનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બ્રિજેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા બાદ ઓલપાડ વિસ્તારને લાંબા સમય પછી કારોબારી અધ્યક્ષ જેવું મહત્વનું પદ મળવાની તક ઊભી થઈ હતી. જોકે, પક્ષના જ કેટલાક લોકોએ બ્રિજેશ પટેલ આ પદ પર ન આવે તે માટે ઉચ્ચ કક્ષાએ ચિઠ્ઠીઓ લખી હતી.

'મારી પાસે તમામ નામ છે' કહી જાહેર મંચ પરથી આપી ચીમકી

આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા મુકેશ પટેલે બ્રિજેશ પટેલને સંબોધીને કહ્યું હતું કે, "બ્રિજેશભાઈ, નામ આપું? અત્યારે બોલો, જાહેરમાં નામ આપું કે કોણે ચિઠ્ઠી લખી હતી? મારી પાસે બધા જ નામ છે." સાથે જ તેમણે આવા કૃત્યો કરીને પક્ષના જ લોકો પોતાની પ્રગતિને કેમ રોકી રહ્યા છે તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.

ચૂંટણી પહેલાં ભાજપના સંગઠનમાં આંતરિક અસંતોષ સપાટી પર

આગામી ચૂંટણીનું વર્ષ નજીક આવતું હોવાથી ભાજપના સ્થાનિક સંગઠનમાં ચાલી રહેલી ખેંચતાણ હવે ચર્ચાનો વિષય બની છે. મુકેશ પટેલે પક્ષના કાર્યકરોને સંકુચિત માનસિકતા છોડીને સંગઠનના હિતમાં કામ કરવાની અપીલ કરી હતી. તેમના મતે, પક્ષના અમુક લોકોની આવી પ્રવૃત્તિઓથી સંગઠનને નુકસાન થઈ રહ્યું છે.

એક તરફ ભાજપ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ધારાસભ્ય દ્વારા જ જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવેલી નારાજગીએ ઓલપાડના રાજકારણમાં નવા સવાલો ઊભા કર્યા છે. હવે પક્ષનું મોવડીમંડળ આ આંતરિક વિખવાદ મામલે શું વલણ અપનાવે છે અને ચિઠ્ઠી લખનારાઓનાં નામ ખરેખર જાહેર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.