મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિ (CCS)ની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ હાઈલેવલ બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ સંજોગોમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો ખોરવાવા નહીં દેવામાં આવે. સાથે જ વીજળી અંગે પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોલસાનો પૂરતો જથ્થો હોવાથી કોઈ કટોકટી સર્જાશે નહીં, જેથી જનતામાં ફેલાતો ભય ઓછો થાય અને મોંઘવારી કાબૂમાં રહે.
આ બેઠકમાં ભારતની ઇંધણ સુરક્ષા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. ભારત તેની જરૂરિયાતનું મોટું પ્રમાણ વિદેશી બજારોમાંથી આયાત કરે છે, અને મધ્ય-પૂર્વના તણાવને કારણે સપ્લાય ચેઈન પર અસર થવાની શક્યતા વધી છે. તેને પહોંચી વળવા માટે સરકારે 11 મહત્વના ક્ષેત્રો જેમ કે કૃષિ, ખાતર, ખાદ્ય સુરક્ષા, પેટ્રોલિયમ, વીજળી, MSME, વેપાર અને સપ્લાય ચેઈન પર ખાસ ફોકસ કર્યો છે.
સરકારે આ પડકાર સામે લડવા માટે ત્રણ સ્તરની રણનીતિ તૈયાર કરી છે. ટૂંકા ગાળામાં જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણની ઉપલબ્ધતા જાળવવા તથા ભાવ નિયંત્રણ માટે પગલાં લેવામાં આવ્યા છે. મધ્યમ ગાળામાં વૈકલ્પિક દેશો પાસેથી આયાત અને નવા સપ્લાય રૂટ્સ શોધવાની યોજના છે, જ્યારે લાંબા ગાળામાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે કૃષિ, MSME અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વધુ ભાર મૂકવામાં આવશે.
ખાસ કરીને ખેડૂતો માટે ખાતરની ઉપલબ્ધતા જાળવવા બફર સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે, જેથી આગામી ખરીફ સીઝનમાં કોઈ મુશ્કેલી ન સર્જાય. આ સમગ્ર આયોજનથી સ્પષ્ટ થાય છે કે, સરકાર વૈશ્વિક સંકટ વચ્ચે દેશની આર્થિક સ્થિરતા જાળવવા અને જનતાને રાહત આપવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે.