નવસારીમાં ગણેશોત્સવ પહેલાં નિયમભંગ સામે પોલીસ કાર્યવાહી
ગણેશોત્સવ પહેલાં જ નવસારીમાં તંત્રના નિયમોનો ભંગ કરનાર મૂર્તિકાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
નવસારીના કબીલપોર ગ્રીડ રોડ પર આવેલી રોહિત મૂર્તિ આર્ટમાં 32 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી હોવાની માહિતી મળતાં પોલીસે મૂર્તિકાર સામે ગુનો નોંધ્યો છે.
કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ પ્રતિમાની ઊંચાઈને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં નિયમોની અવગણના કરીને 32 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ મામલે મામલતદાર રીતેશ કોંકણીએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મૂર્તિ બનાવનાર સુરેશ બરોડીયા સામે BNSની કલમ 223 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલ સમગ્ર મામલે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે નવસારીમાં નિયમભંગ બદલ કાર્યવાહીનો આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે પણ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનારા ત્રણ મૂર્તિકારો સામે ગુના નોંધાયા હતા.
આ વખતે તંત્રની નજર માત્ર સ્થાનિક મૂર્તિકારો પર જ નહીં, પરંતુ અન્ય જિલ્લા કે રાજ્યમાંથી નવસારીમાં લાવવામાં આવતી મોટી ગણેશ પ્રતિમાઓ પર પણ રહેશે.
દરમિયાન, સમસ્ત નવસારી યુવા ગણેશ સંગઠનના મહામંત્રી મનીષ પટેલે તમામ ગણેશ મંડળોને સરકારી નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
કારણ કે મોટી મૂર્તિ ભલે આકર્ષણનું કેન્દ્ર બને…
પરંતુ નિયમોનો ભંગ થશે તો ગણેશોત્સવ પહેલાં જ પોલીસ કાર્યવાહીનું વિઘ્ન આવી શકે છે! ગણેશજી મોરિયા!