નવસારી: દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં અઢી વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકને તેની માતાની નજર સામે દીપડો ખેંચીને જંગલ તરફ લઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો, ગ્રામજનો અને વન વિભાગે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. કલાકોની શોધખોળ બાદ વહેલી સવારે બાળકનો મૃતદેહ ઘરથી આશરે 500 મીટર દૂર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
માતાની સામે જ દીપડાએ હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, ભીનાર ગામમાં રહેતા અરૂણ પટેલનો અઢી વર્ષનો પુત્ર આરવ સાંજના સમયે શૌચક્રિયા માટે ગયો હતો. આ દરમિયાન અચાનક દીપડો ત્યાં આવ્યો અને બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગયો હતો.
બાળકની માતાએ સમગ્ર ઘટના પોતાની આંખે જોઈ હતી. અચાનક બનેલી ઘટનાથી તેઓ આઘાતમાં આવી ગયા હતા. પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક આસપાસના વિસ્તારમાં બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
મશાલ-ટોર્ચ સાથે જંગલમાં શોધખોળ
બનાવની જાણ થતાં વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
રાત્રિના અંધકાર વચ્ચે વનકર્મીઓ અને સ્થાનિક યુવાનો દ્વારા મશાલ, ટોર્ચ અને લાકડીઓ સાથે જંગલ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ વહેલી સવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહ મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું
બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દીપડાને પકડવા 10થી વધુ પાંજરા ગોઠવાયા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં 10થી વધુ પાંજરા ગોઠવ્યા છે. સાથે જ પાંચ ટીમો બનાવીને રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, પોલીસ અને વન વિભાગની ટીમોએ ઘટનાની જાણ થતાં જ સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી હતી. દીપડાને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પરિવારના પિતા મજૂરી માટે તમિલનાડુમાં
મૃત બાળકના પિતા હાલમાં મજૂરીના કામ માટે તમિલનાડુ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ તેમને પરત લાવવા માટે વન વિભાગ દ્વારા મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ગ્રામજનોમાં ભય, સુરક્ષાની માગ
ભીનાર સહિત આસપાસના જંગલ વિસ્તારમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે અગાઉ પણ રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે અને હવે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારવાની માગ કરી છે.
વન વિભાગે લોકોને ખાસ કરીને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને જંગલ તથા આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.
ગીર ગઢડા બાદ દક્ષિણ ગુજરાતમાં બીજી ગંભીર ઘટના
ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ દિવસ અગાઉ ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામમાં પણ દીપડાએ માતા-પિતા વચ્ચે સૂતેલા ત્રણ વર્ષના બાળકને ઉઠાવી લીધું હતું. બાદમાં નજીકના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં વન વિભાગે કાર્યવાહી કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો.
સળંગ બનેલી આ ઘટનાઓને પગલે હવે જંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ-વન્યજીવ સંઘર્ષ અને સ્થાનિકોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.