નવરાત્રિના પહેલા નોરતે ખેલૈયાઓનો અનોખો અંદાજ: 20 કિલોના પોશાકથી લઈને 9.5 કિલોની પાઘડી સુધી, ગેટઅપ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

નવરાત્રિના પહેલા નોરતે ખેલૈયાઓનો અનોખો અંદાજ: 20 કિલોના પોશાકથી લઈને 9.5 કિલોની પાઘડી સુધી, ગેટઅપ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની શરૂઆત સાથે જ ગરબા મેદાનોમાં ઉત્સાહ અને ઉમંગ છવાયો છે. પહેલા નોરતે ખેલૈયાઓએ પરંપરાગત ચણિયાચોળી અને કેડિયાં ઉપરાંત અનોખા ગેટઅપ, વિશાળ મુગટ અને સામાજિક સંદેશ આપતી વેશભૂષા સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. કોઈએ 20 કિલોનો ભારેખમ પોશાક ધારણ કર્યો, તો કોઈએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો. ખેલૈયાઓની મહેનત, સર્જનાત્મકતા અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પરસેવો થતાં 20 કિલોનો પોશાક થઈ જાય છે 25 કિલોનો!

ખેલૈયા જાનવી પરતિયાએ માતાજીની ભક્તિ સાથે તમિલનાડુના પ્રસિદ્ધ મીનાક્ષી દેવીના સ્વરૂપથી પ્રેરિત ગેટઅપ ધારણ કર્યો હતો. તેમના આ વિશેષ પોશાક અને ગેટઅપનું સામાન્ય વજન આશરે 20 કિલો છે. જોકે, કલાકો સુધી ગરબા રમતી વખતે પરસેવો શોષાવાને કારણે તેનું વજન લગભગ 25 કિલો સુધી પહોંચી જાય છે.

જાનવી છેલ્લા 10 વર્ષથી ગરબા રમી રહ્યાં છે અને છેલ્લાં પાંચ વર્ષથી પોતાના ભાઈ સાથે જોડી બનાવીને ગરબે ઘૂમે છે. આટલો ભારે પોશાક પહેરીને પણ તેમનો ઉત્સાહ ઓછો થયો નહોતો. તેમની વેશભૂષા ગરબા મેદાનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

80 સભ્યોના ગ્રુપે ગરબા સાથે આપ્યો સ્વચ્છતાનો સંદેશ

નવરાત્રિમાં માત્ર ભક્તિ અને નૃત્ય જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિનો સંદેશ પણ જોવા મળ્યો હતો. સ્વાસ્તિક ગરબા ગ્રુપના સભ્ય હરિન રાવલના જણાવ્યા અનુસાર, તેમના 80 સભ્યોના ગ્રુપે પહેલા નોરતે ‘ગરબા રમીએ ગૌરવથી, ભારતને રાખીએ સ્વચ્છતાથી’ના સ્લોગન સાથે સ્વચ્છ ભારતની થીમ રજૂ કરી હતી.

આ ગ્રુપના ખેલૈયાઓ વેસ્ટર્ન સ્ટાઇલથી લઈને પરંપરાગત ગામઠી શૈલી સુધીના વિવિધ સ્ટેપ્સ સાથે ગરબા રમે છે. મેદાનમાં ભીડ અને જગ્યાની મર્યાદા હોવા છતાં તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ગરબા રમીને સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.

9.5 કિલોની પાઘડી અને ખજૂરભાઈના કાર્યોથી પ્રેરિત ગેટઅપ

40 વર્ષીય જીગર રાજેશકુમાર કાછીનો ગેટઅપ પણ ગરબા મેદાનમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેમના સમગ્ર પોશાકનું વજન 19.5 કિલો છે. તેમાં માત્ર પાઘડીનું વજન 9.5 કિલો, જ્યારે કપડાંનું વજન 10 કિલો છે.

જીગરભાઈએ આ ગેટઅપ માટે ચાર મહિનાથી તૈયારી શરૂ કરી હતી અને છેલ્લા એક મહિનાથી ભારે પોશાક પહેરીને જ પ્રેક્ટિસ કરી હતી. તેમના ગેટઅપના પાછળના ભાગમાં નેપાળમાં માનવતાવાદી કાર્યો માટે જાણીતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીના કાર્યોથી પ્રેરિત રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે આગળના ભાગમાં માતાજીનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષથી ગરબા રમતા જીગરભાઈ ભારે પોશાક સાથે પણ સહજતાથી ગરબા રમતા જોવા મળ્યા હતા.

માથા પર માતાજીની માંડવી લઈને ગરબે ઘૂમી અમી પટેલ

અમી પટેલે માથા પર માતાજીની માંડવી જેવો વિશેષ ગેટઅપ ધારણ કરીને પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી. તેમના આ ગેટઅપનું વજન આશરે 8થી 9 કિલો છે.

છેલ્લા પાંચ વર્ષથી ગરબા રમતાં અમી પટેલે નવરાત્રિના પ્રથમ દિવસથી જ ભારે ઉત્સાહ સાથે ગરબામાં ભાગ લીધો હતો. તેમનો અનોખો અંદાજ અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

જાતે બનાવ્યો 6 કિલોનો મોરપીંછ મુગટ

હીરલ ચૌધરીએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપતાં મોરપીંછથી સજાવેલો કલાત્મક મુગટ જાતે તૈયાર કર્યો હતો. તેમના સમગ્ર ગેટઅપનું વજન આશરે 5થી 6 કિલો છે.

છેલ્લા પાંચ વર્ષથી ગરબા રમતાં હીરલબહેને આ વજનદાર પોશાકમાં સરળતાથી ગરબા રમી શકાય તે માટે 15 દિવસ સુધી ખાસ પ્રેક્ટિસ કરી હતી. તેમની મહેનત રંગ લાવી અને તેઓ મેદાનમાં સતત ગરબા રમતાં જોવા મળ્યાં હતાં.

8થી 10 મહિના સુધી પ્રેક્ટિસ, 10 કિલોના પોશાકમાં ગરબા

વીર મેવાવાલાએ પણ આ વર્ષે પરંપરાગત પોશાક અને ભારે પાઘડી સાથે અનોખો અંદાજ રજૂ કર્યો હતો. તેમના ગેટઅપનું વજન આશરે 8થી 10 કિલો છે.

છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રિમાં ગરબા રમતા વીર મેવાવાલાએ આટલા ભારે પોશાકમાં લયબદ્ધ રીતે ગરબા રમવા માટે 8થી 10 મહિના સુધી સતત પ્રેક્ટિસ કરી હતી. ભારે વજન હોવા છતાં તેમની ચપળતા અને ઊર્જા ગરબા મેદાનમાં જોવા મળી હતી.

ભક્તિ, મહેનત અને સર્જનાત્મકતાનો સંગમ

નવરાત્રિના પ્રથમ નોરતે ખેલૈયાઓના અનોખા ગેટઅપે સાબિત કર્યું કે ગરબા માત્ર નૃત્ય પૂરતા મર્યાદિત નથી. અહીં ભક્તિ, પરંપરા, કલાકારી અને સામાજિક સંદેશનો સુંદર સમન્વય જોવા મળે છે. ભારે પોશાક તૈયાર કરવા પાછળની મહેનત અને લાંબી પ્રેક્ટિસ ખેલૈયાઓના ગરબા પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.

જોકે, આવા ભારે પોશાકમાં ગરબા રમતી વખતે શરીરની ક્ષમતા, પૂરતું પાણી, આરામ અને સંતુલનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેથી નવરાત્રિનો ઉત્સવ આનંદ અને સુરક્ષા સાથે માણી શકાય.