Advertisement

નલિની કૉલેજમાં ડૉ. અર્પિત પાટડિયાનું તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું

નલિની કૉલેજમાં ડૉ. અર્પિત પાટડિયાનું તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું

ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની-અરવિંદ એન્ડ ટી. વી. પટેલ આર્ટ્સ કૉલેજ ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા 'ફિલ્મ અને મીડિયા પ્રોડક્શન: એક બિઝનેસ મોડલ' વિષય પર કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. બી. એમ. પરમારના અધ્યક્ષસ્થાને એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. અર્પિત પાટડિયા (આસિસ્ટંટ પ્રોફેસર, અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇનોવેશન ક્લબના કન્વીનર : ડૉ. મહેશ પરમાર, સભ્ય : ડૉ. શિલ્પા કામલિયા અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


 ડૉ. અર્પિત પાટડિયાએ પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું હતું કે ફિલ્મ નિર્માણ એ માત્ર સર્જનાત્મક કળા નથી, પરંતુ એક જટિલ આર્થિક પ્રક્રિયા છે, જ્યાં 'High Risk = High Reward'નો સિદ્ધાંત કેન્દ્રસ્થાને રહે છે. આજના યુગમાં ફિલ્મ માત્ર સિનેમા હોલ સુધી મર્યાદિત નથી, પરંતુ OTT પ્લેટફોર્મ્સ, સેટેલાઇટ રાઈટ્સ અને મ્યુઝિક રાઈટ્સ જેવા વિવિધ સ્ત્રોતો દ્વારા મસમોટી આવક રળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ આજે ₹20,000 કરોડના કદ સુધી પહોંચ્યો છે અને ખાસ કરીને OTT માર્કેટ વર્ષ 2030 સુધીમાં $20B થવાની સંભાવના છે.


ડૉ. પાટડિયાએ ફિલ્મના બજેટિંગ વિશે સમજાવતા કહ્યું કે કુલ બજેટનો 20% થી 30% જેટલો મોટો હિસ્સો માત્ર માર્કેટિંગ અને પ્રમોશન (P&A) પાછળ ખર્ચાય છે, જે ફિલ્મને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે અનિવાર્ય છે. તેમણે 'The Kashmir Files' અને 'Kantara' જેવા સફળ ઉદાહરણો ટાંકીને સમજાવ્યું હતું કે માત્ર મોટું બજેટ હોવું પૂરતું નથી, પરંતુ મજબૂત કન્ટેન્ટ અને ઓડિયન્સ કનેક્શન જ અંતે સફળતા અપાવે છે. આ સંદર્ભમાં તેમણે ગુજરાતી ફિલ્મ 'લાલો'નો ખાસ ઉલ્લેખ કર્યો હતો, જેણે માત્ર ₹50 લાખના બજેટ સામે ₹100 કરોડની ઐતિહાસિક કમાણી કરીને પ્રાદેશિક સિનેમાની તાકાતનો પરિચય કરાવ્યો છે. વ્યાખ્યાનના અંતે તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં સફળ પ્રોડ્યુસર બનવા માટે માત્ર ગ્લેમર નહીં, પણ ડેટા-ડ્રિવન બિઝનેસ વ્યૂહરચના સમજવી પણ અત્યંત જરૂરી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મહેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું.

Advertisement