નિસરાયા ગામનાં સરપંચ સ્મિતાબેન રાજ હોદ્દા પરથી દૂર, ડીડીઓનો મોટો નિર્ણય

નિસરાયા ગામનાં સરપંચ સ્મિતાબેન રાજ હોદ્દા પરથી દૂર, ડીડીઓનો મોટો નિર્ણય

બોરસદ: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામનાં સરપંચ સ્મિતાબેન રાજ સામે જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની કામગીરીમાં ગેરરીતિ અને જરૂરી મંજૂરી વિના કામ કરવાના આક્ષેપો અંગે થયેલી તપાસ બાદ ડીડીઓએ સ્મિતાબેન રાજને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.

નિસરાયા ગામના વતની વિજયભાઈ કાપડિયાએ તા. 30 મે, 2026ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરીને ગ્રામ પંચાયતની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અરજીમાં છેલ્લા પાંચ વર્ષથી ન્યાય સમિતિની બેઠકો યોજવામાં ન આવી હોવાનો, ગામમાં થયેલા દબાણો દૂર કરવામાં નિષ્ક્રિયતા દાખવવાનો તેમજ જૂની શાળાના કાટમાળ અને લાકડાની સામગ્રી મામલે કાયદેસરની કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગામના તળાવના કેટલાક વિસ્તારમાં પુરાણ કરીને ત્યાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હોવાનો મુદ્દો પણ અરજીમાં રજૂ કરવામાં આવ્યો હતો.

અરજીને ગંભીરતાથી લઈને જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ બોરસદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સર્કલ અધિકારીને તમામ મુદ્દાઓની સ્થળ તપાસ અને દસ્તાવેજોની ચકાસણી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સર્કલ અધિકારીએ પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી અને સંબંધિત મુદ્દાઓ અંગે જવાબો તથા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ પોતાનો તપાસ અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને સુપરત કર્યો હતો. તપાસ અહેવાલમાં જરૂરી મંજૂરી વિના કામગીરી કરવામાં આવી હોવાની અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની બાબતો સામે આવી હતી.

જોકે, તપાસ પ્રક્રિયા દરમિયાન સરપંચને વધુ સાત દિવસનો સમય આપવામાં આવતા અરજદારોમાં નારાજગી ફેલાઈ હતી. અરજદારોનો આક્ષેપ હતો કે તપાસ પૂર્ણ થયા બાદ પણ સરપંચને વધારાનો સમય આપીને તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે અરજદારોએ બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ, તાલુકા વિકાસ અધિકારીએ તપાસ અહેવાલના આધારે સરપંચ સ્મિતાબેન રાજ પાસે સાત દિવસમાં લેખિત ખુલાસો અને જરૂરી પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરપંચ તરફથી રજૂ કરવામાં આવેલા જવાબથી અધિકારીઓ સંતુષ્ટ ન થતાં તાલુકા વિકાસ અધિકારીના તપાસ અહેવાલને આધારે જિલ્લા વિકાસ અધિકારીએ સ્મિતાબેન રાજને સરપંચપદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

આમ, નિસરાયા ગ્રામ પંચાયતની કામગીરી અંગે થયેલી ફરિયાદ અને લાંબી તપાસ પ્રક્રિયાના અંતે સરપંચ સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે બોરસદ તાલુકાના રાજકીય અને ગ્રામ્ય વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.