નિમ્મીના નિધનના 6 વર્ષ બાદ કરોડોની સંપત્તિનો વિવાદ: પૂર્વ કેરટેકર સામે FIR, 1.77 કરોડની FD અને જ્વેલરી હડપવાનો આરોપ; દિલીપ કુમાર સાથેની લવસ્ટોરી પણ રહી હતી ચર્ચામાં

નિમ્મીના નિધનના 6 વર્ષ બાદ કરોડોની સંપત્તિનો વિવાદ: પૂર્વ કેરટેકર સામે FIR, 1.77 કરોડની FD અને જ્વેલરી હડપવાનો આરોપ; દિલીપ કુમાર સાથેની લવસ્ટોરી પણ રહી હતી ચર્ચામાં

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી નિમ્મી ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી કહાનીઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેમના નિધનના છ વર્ષ બાદ મુંબઈમાં કરોડો રૂપિયાની સંપત્તિને લઈને વિવાદ સામે આવ્યો છે. મુંબઈ પોલીસે અભિનેત્રીના પૂર્વ કેરટેકર વિરુદ્ધ FIR નોંધી છે. તેમના પર આશરે 1.77 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), કિંમતી જ્વેલરી અને ફ્લેટ્સ પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

એક તરફ નિમ્મીની સંપત્તિને લઈને કાયદાકીય વિવાદ શરૂ થયો છે, તો બીજી તરફ તેમનું ફિલ્મી જીવન પણ ફરી ચર્ચામાં છે. 1950ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી દર્શકોનાં દિલ જીતનાર નિમ્મીનું જીવન અનેક રસપ્રદ અને ભાવનાત્મક ઘટનાઓથી ભરેલું હતું. રાજ કપૂરે તેમને પોતાની માનેલી બહેન બનાવી હતી, જ્યારે દિલીપ કુમાર પ્રત્યેનો તેમનો એકતરફી પ્રેમ પણ એક સમયે ચર્ચાનો વિષય બન્યો હતો.

7થી 8 કરોડના ફ્લેટ્સ સહિત કરોડોની સંપત્તિ વિવાદમાં

નિમ્મીના સંબંધિ મોહમ્મદ યુનુસ સલીમ દુર્રાણી દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, અભિનેત્રીની જુહૂ સ્થિત બે મિલકતોની કિંમત આશરે 7થી 8 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે 1.77 કરોડ રૂપિયાની FD, સોનાં-ચાંદીનાં ઘરેણાં અને એક કાર પણ હતી.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નિમ્મીના નિધન બાદ તેમના પૂર્વ કેરટેકરે FDની રકમ પોતાના કબજામાં લઈ લીધી હતી. એટલું જ નહીં, તેમની કાર ભંગારમાં વેચી દેવામાં આવી હોવાનો અને ફ્લેટ્સ પર કબજો કરવાનો પ્રયાસ થયો હોવાનો પણ આરોપ છે.

નિમ્મીએ જાણીતા સ્ક્રીનરાઇટર અલી રઝા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને કોઈ સંતાન નહોતું. ત્યારબાદ તેમણે પોતાની બહેનના પુત્ર અલી સૈય્યદ પરવેઝને દત્તક લીધો હતો અને વસિયતમાં પોતાની મિલકત તેના નામે કરી હતી.

પતિના નિધન બાદ નિમ્મી એકલાં રહેતાં હતાં. તેમનો દત્તક પુત્ર મૅન્ચેસ્ટરમાં રહેતો હતો. જીવનના અંતિમ સમયમાં કેરટેકર તેમના ઘર અને નાણાકીય વ્યવહારોની દેખરેખ રાખતો હતો. નિમ્મીએ ઘરકામમાં મદદ કરતા અસ્રાર શેખ સાથે સંયુક્ત બેંક ખાતું પણ ખોલાવ્યું હતું.

વર્ષ 2020માં નિમ્મીના નિધન બાદ તેમના દત્તક પુત્રનું પણ અવસાન થયું હતું. ત્યારબાદ સંપત્તિના વ્યવસ્થાપન અને માલિકી અંગે વિવાદ ઊભો થયો હતો. ફરિયાદમાં પૂર્વ કેરટેકર પર ઘરેણાં, FDની રકમ અને બે ફ્લેટ સંબંધિત ગેરરીતિઓના આરોપ મૂકવામાં આવ્યા છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાજ કપૂરે રાખડી બંધાવીને બનાવી હતી માનેલી બહેન

નિમ્મીનો હિન્દી સિનેમામાં પ્રવેશ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. રાજ કપૂરે ફિલ્મ 'બરખા' દ્વારા તેમને સિનેમાની દુનિયામાં ઓળખ અપાવી હતી.

નિમ્મી પોતાની માસી જ્યોતિ સાથે મહબૂબ સ્ટુડિયોમાં ફિલ્મ 'અંદાજ'નું શૂટિંગ જોવા ગયાં હતાં. ત્યાં રાજ કપૂરની નજર તેમના પર પડી હતી. તેમની સુંદરતાથી પ્રભાવિત થઈને રાજ કપૂરે તેમને ફિલ્મમાં કામ કરવાની તક આપી હતી.

શરૂઆતમાં નિમ્મી ફિલ્મના સેટ પર ખૂબ જ શરમાળ અને ડરતાં હતાં. તેમની આ સ્થિતિ જોઈને રાજ કપૂરે તેમની પાસેથી રાખડી બંધાવી અને તેમને પોતાની માનેલી બહેન બનાવી લીધાં હતાં.

ત્યારબાદ નિમ્મીએ 'બરસાત', 'દીદાર', 'દાગ', 'અમર', 'આન', 'ઉડન ખટોલા', 'શમા' અને 'બડી બહૂ' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1950ના દાયકામાં તેઓ હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયાં હતાં.

દિલીપ કુમાર પ્રત્યે હતો ખાસ લગાવ, પરંતુ પ્રેમ અધૂરો રહ્યો

નિમ્મી અને દિલીપ કુમારની જોડીએ પડદા પર પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. બંનેએ 'દીદાર', 'દાગ', 'આન', 'અમર' અને 'ઉડન ખટોલા' સહિત પાંચ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

જોકે, નિમ્મી માટે દિલીપ કુમાર માત્ર સહકલાકાર નહોતા. તેઓ તેમને પસંદ કરતાં હતાં. એક ઇન્ટરવ્યૂમાં નિમ્મીએ દિલીપ કુમાર પ્રત્યેના પોતાના લાગણીસભર સંબંધ વિશે વાત કરતાં કહ્યું હતું કે તેઓ ચુંબક જેવા હતા અને દરેક વ્યક્તિ તેમની તરફ આકર્ષાતી હતી. નિમ્મીએ સ્વીકાર્યું હતું કે તેઓ પણ તેમાંથી એક હતાં.

તેમના જણાવ્યા મુજબ, દિલીપ કુમાર પ્રત્યેનો આ લગાવ એકતરફી રહ્યો હતો. મધુબાલા સહિત અનેક સુંદર મહિલાઓ દિલીપ કુમારને પસંદ કરતી હતી. આ પરિસ્થિતિમાં નિમ્મીને લાગતું હતું કે તેમની લાગણીઓ ક્યારેય પૂર્ણ થઈ શકશે નહીં. આ જ કારણસર તેમણે ધીમે ધીમે પોતાને દિલીપ કુમારથી દૂર કરી લીધાં હતાં.

તલવારના સીનમાં દિલીપ કુમારને ઈજા થઈ, નિમ્મી આખી રાત વિચારોમાં ખોવાયેલાં રહ્યાં

ફિલ્મ 'આન'ના શૂટિંગ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. નિમ્મીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિલ્મના એક દૃશ્યમાં તલવાર ફેંકતી વખતે દિલીપ કુમારને ઈજા થઈ હતી.

આ ઘટના બાદ નિમ્મીએ તેમની માફી માગી હતી. તેના જવાબમાં દિલીપ કુમારે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, 'જિંદગીમાં એક ઈજા વધુ સહન કરી લીધી.'

દિલીપ કુમારના આ જવાબથી નિમ્મી ખૂબ પ્રભાવિત થયાં હતાં અને આખી રાત આ ઘટના વિશે વિચારતાં રહ્યાં હતાં.

હોલિવૂડ અભિનેતાએ હાથ ચુંબન કરવાનો પ્રયાસ કર્યો, નિમ્મીએ કર્યો વિરોધ

ફિલ્મ 'આન'નું પ્રીમિયર લંડનમાં યોજાયું હતું. આ પ્રસંગે નિમ્મી અને દિલીપ કુમાર સહિત ફિલ્મની ટીમ લંડન પહોંચી હતી. ત્યાં હોલિવૂડ અભિનેતા એરોલ ફ્લિન પણ તેમનું સ્વાગત કરવા હાજર હતા.

નિમ્મી સાથે મુલાકાત દરમિયાન એરોલ ફ્લિને તેમનો હાથ ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નિમ્મીએ તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો હતો અને આ વર્તન સામે વિરોધ નોંધાવ્યો હતો.

આ ઘટનાની ચર્ચા લંડનના અખબારોમાં પણ થઈ હતી. અખબારોએ નિમ્મીને 'ધ અન-કિસ્ડ ગર્લ ઑફ ઇન્ડિયા' નામ આપ્યું હતું. ત્યારથી તેઓ હોલિવૂડમાં પણ આ ઉપનામથી ઓળખાવા લાગ્યાં હતાં.

નિમ્મીને હોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કરવાની ઓફર પણ મળી હતી, પરંતુ તેમણે તે ઓફરો સ્વીકારી નહોતી.

મધુબાલાએ નિમ્મીને કહ્યું હતું – તારા માટે દિલીપ કુમારથી દૂર થઈ જઈશ

નિમ્મી, મધુબાલા અને દિલીપ કુમાર ફિલ્મ 'અમર'માં સાથે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ દરમિયાન નિમ્મી અને મધુબાલા વચ્ચે સારી મિત્રતા થઈ હતી.

કહેવાય છે કે મધુબાલાને ધીમે ધીમે સમજાઈ ગયું હતું કે નિમ્મી પણ દિલીપ કુમારને પસંદ કરે છે. એક દિવસ મધુબાલાએ નિમ્મી સાથે આ અંગે વાત કરી હતી.

મધુબાલાએ નિમ્મીને પૂછ્યું હતું કે શું તેઓ પણ દિલીપ કુમાર માટે એવી જ લાગણી ધરાવે છે, જેવી પોતે ધરાવે છે? જો એવું હોય તો નિમ્મી માટે તેઓ દિલીપ કુમારના જીવનમાંથી દૂર થવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું.

જોકે, નિમ્મીને મધુબાલાની આ વાત પસંદ આવી નહોતી. તેમણે જવાબ આપ્યો હતો કે તેમને કોઈની પાસેથી ભેટમાં પતિ જોઈતો નથી. આ ઘટના બંને અભિનેત્રીઓ વચ્ચેની મિત્રતા અને તે સમયના ફિલ્મી સંબંધોની એક રસપ્રદ કહાની તરીકે જાણીતી છે.

મહબૂબ ખાનની મુશ્કેલીમાં મદદ માટે નોટોના બંડલ લઈને પહોંચી ગયાં હતાં નિમ્મી

નિમ્મીના જીવનમાં મહબૂબ ખાનનું પણ વિશેષ સ્થાન હતું. તેમની માતા વહિદાન સિંગર હતાં. શરૂઆતના સમયમાં પરિવારને રહેવા માટે મુશ્કેલી પડતી હતી. ત્યારે મહબૂબ ખાને તેમને રહેવા માટે જગ્યા આપી હતી.

વર્ષો બાદ નિમ્મી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ અભિનેત્રી બન્યાં હતાં. આ દરમિયાન મહબૂબ ખાન ફિલ્મ 'મધર ઇન્ડિયા' બનાવી રહ્યા હતા. ફિલ્મના નિર્માણ દરમિયાન નાણાકીય મુશ્કેલી ઊભી થઈ હતી અને આશરે 40 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા બાદ ફિલ્મનું કામ અટકી જવાની સ્થિતિ સર્જાઈ હતી.

આ વાતની જાણ થતાં નિમ્મી નોટોના બંડલ લઈને મહબૂબ ખાનની ઓફિસે પહોંચ્યાં હતાં. તેમણે મેનેજરને પૈસા આપીને ફિલ્મનું કામ અટકવું ન જોઈએ તેવી વાત કરી હતી. સાથે જ મહબૂબ ખાનને આર્થિક મદદ કોણે કરી છે તેની જાણ ન થાય તેવી વિનંતી પણ કરી હતી.

આ ઘટના નિમ્મીના વ્યક્તિત્વ અને તેમને મળેલી મદદને યાદ રાખવાની ભાવનાને દર્શાવે છે.

મેગેઝિનમાં ફોટો જોઈને અલી રઝા પસંદ આવ્યા, પછી કર્યાં લગ્ન

નિમ્મીના અંગત જીવનની કહાની પણ રસપ્રદ રહી હતી. તેમણે જાણીતા સ્ક્રીનરાઇટર અલી રઝા સાથે લગ્ન કર્યાં હતાં.

એક ઇન્ટરવ્યૂમાં નિમ્મીએ જણાવ્યું હતું કે એક દિવસ ફેમસ સ્ટુડિયોમાં શૂટિંગ દરમિયાન તેમની હેરડ્રેસરે તેમને ફિલ્મઇન્ડિયા મેગેઝિન બતાવ્યું હતું. તેમાં અલી રઝાનો ફોટો છપાયેલો હતો. ફોટો જોતાં જ નિમ્મીને તેઓ પસંદ આવી ગયા હતા.

ત્યારબાદ તેમણે પોતાની લાગણી અલી રઝા સુધી પહોંચાડી હતી. બંને વચ્ચે વાતચીત આગળ વધી અને પરિવારની મંજૂરી બાદ લગ્ન થયાં હતાં.

લગ્ન બાદ નિમ્મીએ ધીમે ધીમે ફિલ્મી દુનિયાથી અંતર બનાવી લીધું હતું. તેમને અનેક ફિલ્મોની ઓફર મળી હોવા છતાં તેમણે તેને સ્વીકારી નહોતી. આ લગ્નથી તેમને કોઈ સંતાન થયું નહોતું.

87 વર્ષની વયે નિમ્મીએ દુનિયાને કહ્યું અલવિદા

હિન્દી સિનેમામાં પોતાની સુંદરતા, અભિનય અને યાદગાર ભૂમિકાઓથી અલગ ઓળખ બનાવનાર નિમ્મીનું 25 માર્ચ 2020ના રોજ 87 વર્ષની વયે અવસાન થયું હતું.

તેમના નિધનના વર્ષો બાદ હવે તેમની કરોડોની સંપત્તિને લઈને વિવાદ સામે આવ્યો છે. એક તરફ પોલીસ તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ નિમ્મીની ફિલ્મી સફર, રાજ કપૂર સાથેનો સંબંધ અને દિલીપ કુમાર પ્રત્યેની અધૂરી લાગણીઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે.