Advertisement

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે લીધી શપથ, બિહારમાં નવા CM અંગે ચર્ચાઓ તેજ

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે લીધી શપથ, બિહારમાં નવા CM અંગે ચર્ચાઓ તેજ

બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. રાજ્યસભાના સભ્ય બનતા નીતીશ કુમારે એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે, કારણ કે તેઓ એવા નેતા બની ગયા છે જે વિધાનસભા અને લોકસભા સાથે-સાથે બંને ઉચ્ચ ગૃહો એટલે કે વિધાનપરિષદ અને રાજ્યસભાના પણ સભ્ય રહી ચૂક્યા છે.


નીતીશ કુમાર આજે સાંજે દિલ્હીથી પટના પરત ફરવાના છે. તેમના રાજ્યસભા સભ્ય બન્યા બાદ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. બીજી તરફ બિહારમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે રાજકીય અટકળો તેજ બની છે. દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં આગામી નેતૃત્વ અંગે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.


પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા બાદ રાજકીય ગરમાવો વધુ વધ્યો છે. જોકે ભાજપ નેતૃત્વ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા વચ્ચે સંતુલન જાળવીને અંતિમ નિર્ણય લેવાની દિશામાં વિચાર કરી રહ્યું છે. શક્ય છે કે 14 એપ્રિલે આ મુદ્દે અંતિમ નિર્ણય જાહેર થાય. બીજી તરફ વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે નવી સરકાર પણ ‘નીતીશ મોડલ’ પર જ રાજ્યનો વિકાસ આગળ વધારશે.


ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં નીતીશ કુમાર લોકસભાના સાંસદ હતા અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. ત્યારબાદ 24 નવેમ્બર 2005ના રોજ તેમણે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધો અને સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. વર્ષ 2026માં તેઓ દસમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ માત્ર ચાર મહિનામાં જ ફરી દિલ્હી રાજનીતિ તરફ વળીને રાજ્યસભા મારફતે સંસદમાં પહોંચ્યા છે.

Advertisement