કર્ણાટકના કલબુર્ગીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં NEET UG 2026 પરીક્ષા રદ્દ થવા અને ફરીથી પરીક્ષા યોજાવાની જાહેરાત બાદ સર્જાયેલા ભારે માનસિક તણાવ વચ્ચે 18 વર્ષની વિદ્યાર્થીની ભાગ્યશ્રીએ આત્મહત્યા કરી લીધી છે. 12મા ધોરણમાં 92 ટકા માર્ક્સ મેળવનારી ભાગ્યશ્રી ડોક્ટર બનવાનું સપનું જોઈ રહી હતી, પરંતુ પરીક્ષા પદ્ધતિમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને પેપર લીકના વિવાદોએ તેની માનસિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી હતી. આ ઘટનાએ માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે.
આ દુઃખદ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અનેક લોકોએ દેશની પરીક્ષા પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લોકો સરકાર અને પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. યુવાનોનું કહેવું છે કે વારંવારની પરીક્ષા રદ્દ થવાની ઘટનાઓ અને પેપર લીકના કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
આ માત્ર એક ઘટના નથી. તાજેતરમાં રાજસ્થાનના સીકરમાં પણ NEET પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થી પ્રદીપ મેવાલે આત્મહત્યા કરી હતી, જેને પ્રથમ પરીક્ષામાં 650થી વધુ માર્ક્સની આશા હતી. તે જ રીતે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પણ એક વિદ્યાર્થીએ પેપર લીકના આઘાતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. સતત સામે આવી રહેલી આવી ઘટનાઓએ દેશની પરીક્ષા પદ્ધતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વિદ્યાર્થીઓ હવે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા, સુરક્ષા અને જવાબદારી નક્કી કરવાની માંગ સાથે દેશભરમાં વિરોધ નોંધાવી રહ્યા છે.