નવી દિલ્હી: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ને લઈને લાખો વિદ્યાર્થીઓ માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ગત ૩ મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં પેપર લીક થયાની પ્રબળ આશંકાઓ અને રાજસ્થાનમાં મળેલા 'ગેસ પેપર' લીકના પુરાવા બાદ, કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષાની પારદર્શિતા અને શુદ્ધતા જાળવવા માટે આ કઠોર પગલું ભર્યું છે.
રાજસ્થાનમાં પેપર લીક થયાના નક્કર પુરાવા મળ્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની ગંભીરતાને જોતા શિક્ષણ મંત્રાલયે હવે આ સમગ્ર કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપી દીધી છે. CBI હવે આ રેકેટ પાછળ કયા કયા લોકો સામેલ છે અને પેપર ક્યાંથી લીક થયું તેની ઊંડી તપાસ કરશે. આ નિર્ણયથી દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટી અસર પડી છે, કારણ કે હવે પરીક્ષા ફરીથી ક્યારે યોજાશે તેની નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.