NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં મોટું આંદોલન, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને મંજૂરી

NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં મોટું આંદોલન, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને મંજૂરી

નવી દિલ્હી: મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETના પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીમાં મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી છે. બીજી તરફ, પ્રદર્શન પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતાં હવે આ વિરોધ કાર્યક્રમના માર્ગમાં રહેલા કાનૂની અવરોધો દૂર થયા છે.


આંદોલનનું નેતૃત્વ કરી રહેલા CJPના સ્થાપક અભિજિત દીપક અમેરિકાના બોસ્ટનથી નવી દિલ્હી પહોંચ્યા છે. ભારત પહોંચ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર સમર્થકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કાર્યકર્તાઓને પુસ્તક અને તિરંગો સાથે આવવા તેમજ પોલીસકર્મીઓ પ્રત્યે સન્માન દર્શાવવા ફૂલ અર્પણ કરવાની વિનંતી કરી હતી.


આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય મુદ્દો NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ છે. અગાઉ શિક્ષણ સુધારક અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પણ જણાવ્યું હતું કે જો શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો તેઓ આ આંદોલનમાં જોડાશે. શનિવારે સવારે CJPના કાર્યકર્તાઓ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર પણ એકત્ર થયા હતા.


વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના વરિષ્ઠ નેતાઓના નિવાસસ્થાનોની આસપાસ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેન્ટ્રલ દિલ્હીને 12 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનની જવાબદારી ડીસીપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. નવી દિલ્હી વિસ્તારમાં 1,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનને કારણે લ્યુટિયન્સ દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.