નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 3 મેના રોજ લેવાયેલી NEET 2026 પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પેપર લીકના ગંભીર આરોપો અને બિહારમાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડ સામે આવતા કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
બિહારમાં NEET પરીક્ષાને લઈને મોટા સોલ્વર ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ એક ઉમેદવારને મેડિકલ સીટ અપાવવા માટે રૂપિયા 50 થી 60 લાખ સુધી વસૂલતી હતી. નાલંદા પોલીસે 2 મેના રોજ પાવાપુરી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન બે લક્ઝરી કારમાંથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મુખ્ય આરોપી અવધેશ કુમાર હોવાનું સામે આવ્યું છે, જે VIMS મેડિકલ કોલેજનો MBBS વિદ્યાર્થી છે. તેના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન આખું નેટવર્ક બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મુઝફ્ફરપુર સહિત વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ઉજ્જવલ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ ઉમેદવારો પાસેથી રૂપિયા 1.5 થી 2 લાખ એડવાન્સ રૂપે વસૂલતી હતી અને પછી અસલ ઉમેદવારની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર પર ‘સોલ્વર’ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ડૉક્ટરના પુત્ર હર્ષરાજ સહિત અન્ય સાગરીતોનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
બીજી તરફ રાજસ્થાનમાં તપાસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી હસ્તલિખિત ‘ગેસ પેપર’ મળી આવ્યા હતા, જેના પ્રશ્નો અસલ પ્રશ્નપત્ર સાથે મળતા આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સીકર સહિતના વિસ્તારોમાંથી 13 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર 720 માર્ક્સમાંથી આશરે 600 માર્ક્સના પ્રશ્નો પરીક્ષાના બે દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા. આ પ્રશ્નો કેરળની એક મેડિકલ કોલેજના વિદ્યાર્થી દ્વારા સીકરમાં રહેલા તેના મિત્રને મોકલવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
NTAએ વિદ્યાર્થીઓને રાહત આપતા જણાવ્યું છે કે ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. અગાઉ નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે અને અગાઉ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની ફી પણ રિફંડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે NEET પરીક્ષા અગાઉ 2024માં પણ પેપર લીક અને પરિણામ વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. તે સમયે પટના અને હજારીબાગમાં પેપર લીકના પુરાવા મળ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે સમગ્ર પરીક્ષા રદ કરવાનો ઇનકાર કરીને માત્ર કેટલાક સેન્ટરો પર જ ફરી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો હતો. તે વર્ષે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળતા દેશભરમાં ભારે વિવાદ ઉભો થયો હતો.