નડિયાદની કમળા ચોકડીએ દુકાનમાં ધમાલ મચાવી 5 શખ્સનો હુમલો
નડિયાદ : નડિયાદ શહેરની કમળા ચોકડી પાસે આવેલી દુકાનના માલિક અને તેના પરિવાર પર પાંચ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. દુકાનના માલિકને આંગળીએ ફ્રેક્ચર થયું હતું. આ અંગે વીડિયો વાયરલ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. હુમલો કરી આતંક ફેલાવનારો ખાડનો પપ્પુ મહિનામાં બીજી વખત પકડાયો છે.
નડિયાદના ડભાણ બીટ વિસ્તારમાં કેટલાક લોકો મારામારી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ઘટના કમળા ચોકડીથી મંજીપુરા ચોકડી તરફના રોડ પર આવેલી દીપુ નામની દુકાને બની હતી. દુકાનના માલિક નિલેશભાઈ રમેશભાઈ ભોજવાણીએ પોલીસને જણાવ્યું કે, તા. ૯મીને રવિવારે સાંજે હુમલો કરનારા શખ્સો પૈકી એકે પપ્પુ નડિયાદ ખાડનો હોવાનું જણાવ્યું હતું. અગાઉ, કિશન સોઢા પરમાર નામના મિત્રના ફોન પરથી પપ્પુએ નિલેશભાઈને ફોન કરીને ધમકી આપી હતી. ત્યારબાદ, પાંચ જેટલા માણસો મોટર સાયકલ અને એક્ટિવા લઈને દુકાને આવ્યા હતા. શખ્સોએ નિલેશભાઈ, પિતા રમેશભાઈ અને નાના ભાઈ દિપકભાઈને ગાળો આપીને ગડદાપાટુનો માર માર્યો હતો. દુકાનમાં પડેલી ખુરશીઓ, કેરેટ અને ઠંડા પીણાની બોટલોથી પણ માર માર્યો હતો. હુમલામાં નિલેશભાઈની આંગળીમાં ફ્રેક્ચર થતા નડિયાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
વીડિયો સામે આવ્યા બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદી બની આ હુમલો કરનારા પપ્પુ, કિશનભાઈ સોઢા પરમાર, રઈશ અને અન્ય બે અજાણ્યા મળી કુલ ૫ શખ્સ સામે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી તમામને ઝડપી લીધા છે. પોલીસે આજે સાંજે ૪ વાગ્યે બનાવ સ્થળે લઈ જઈ આરોપીઓને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
પપ્પુ ઉર્ફે પ્રદીપ તળપદાએ મહિના પહેલા મિત્રના જન્મદિવસની પાર્ટીના કાર્યક્રમમાં તલવાર વીંઝી વીડિયો વાયરલ કરી રૌફ જમાવ્યો હતો. મહિનાના ટુંકાગાળામાં ફરી દુકાનમાં ઘૂસી મારામારી કરી છે. ત્યારે આરોપીને કાયદાનો ડર ન હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે.
અસામાજિક તત્વો આવા ગુના ન આચરે માટે પોલીસ ફરિયાદી બનીદુકાન પર હુમલાની ઘટના બાદ પપ્પુ અને કિશને માફી માંગી હોવાથી નિલેશભાઈ અને તેમના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે, પોલીસના મતે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી ન થાય તો તેમને છૂટો દોર મળી જાય અને તેઓ ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓ આચરી શકે છે. આથી, પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે.