નડિયાદ: નડિયાદમાં જીયુડીસી દ્વારા ટેન્ડરિંગ બાદ ૮ કરોડના ખર્ચે અમદાવાદના મિરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશાલી ગરનાળાને ડેવલોપ કરવાની કામગીરી સોંપાઇ છે.ગરનાળાની બંને બાજુ ૪ મીટરનો રોડ બનાવાશે અને ૬ બાય ૩.૫૦ મીટરનું ગરનાળુ બનશે. ૨૦૨૬મા પ્રોજેક્ટ પૂર્ણ થશે. ગરનાળાની બંને બાજુ ૪ મીટરનો રોડ બનાવાશે, ૬ બાય ૩.૫૦ મીટરનું ગરનાળુ બનશે
નડિયાદ શહેરના વૈશાલી ગરનાળાને પહોળુ કરવાની કામગીરીમાં અગાઉ અનેક ગ્રહણ લાગ્યા હતા એજન્સીઓ દ્વારા કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યા બાદ રદ્દ કરાયા હતા. જો કે, આ અંગે રાજ્ય સરકારની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની (જીયુડીસી) દ્વારા ટેન્ડરિંગ કરાયા બાદ અમદાવાદ મિરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કામ સોંપાયુ હતંુ. જ્યાં હાલ આ ગરનાળાને પહોળુ કરવા ઉપરાંત ઊંડુ કરવાની કામગીરી ચાલી રહી છે.
અંદાજે ૮ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચે ગરનાળાને ડેવલોપ કરાશે. અગાઉ મોટા વાહનો પસાર કરવામાં ભારે હાલાકી પડતી હતી. એટલુ જ નહીં, નાના વાહન ચાલકોએ પણ સાવચેતીથી પસાર થવુ પડતુ હતુ. તેવા સમયે આ વૈશાલી ગરનાળાને ૬ મીટર પહોળુ અને ૩.૫૦ મીટર હાઈટ રાખવામાં આવશે. સાથે જ બંને બાજુ ૪ મીટરના એપ્રોચ રોડ આવશે, અગાઉ આ ગરનાળાની નીચે અને બંને બાજુના રોડની સપાટી સમતલ હતી. હવે આ કામગીરી કર્યા બાદ બંને બાજુ શ્રેયસ ગરનાળા જેવો ઢાળ પણ આવશે. હાલ આ ગરનાળાની આસપાસ બોક્સ ભરવાની કામગીરી ચાલી રહી છે. ચોમાસા પહેલા ચારેક બોક્સ ભરવાની તૈયારી છે. હાલ બોક્સની નીચેની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ આ પ્રોજેક્ટ ૨૦૨૬ના ચોમાસા પહેલા પૂર્ણ થશે, તેવી શક્યતાઓ છે.
આ કામગીરી શરૂ કર્યા બાદ ગટરના પાણી રેલાતા હતા.જેના કારણે કામગીરી અટવાઈ જતી હતી. જો કે, મનપા દ્વારા અત્રે ગટરના પાણીનો વ્યવસ્થિત નિકાલ થઈ જાય તે માટે પાઈપો નાખી અને કામચલાઉ રસ્તો કરી આપ્યો છે.