Advertisement

નડિયાદમાં ફિલ્મી ઢબે દારૂ પકડાયો, પોલીસે કાચ તોડી ગાડી ઉભી રખાવી!

નડિયાદમાં ફિલ્મી ઢબે દારૂ પકડાયો, પોલીસે કાચ તોડી ગાડી ઉભી રખાવી!

નડિયાદ: ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નડિયાદ નજીક બિલોદરા જેલ પાસે એક હાઈ-વોલ્ટેજ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફિલ્મી અંદાજમાં પીછો કરીને પોલીસે એક સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાંથી ₹12,08,925ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કારને અટકાવવા માટે લાકડીઓ વડે તેના કાચ તોડવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ ₹32.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


એસએમસીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કઠલાલથી નડિયાદ તરફ એક લક્ઝરી કારમાં દારૂનો મોટો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે. પોલીસે કઠલાલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી, પરંતુ પોલીસને જોઈને બૂટલેગરોએ કાર ઉભી રાખવાને બદલે મહુધા તરફ ભગાવી મૂકી હતી. ત્યારબાદ પોલીસે હાઈ-સ્પીડ પીછો શરૂ કર્યો હતો. છેવટે બિલોદરા ચોકડી પાસે રેલવે ફાટક પાર કર્યા બાદ જેલ નજીક પોલીસે કારને ઘેરી લીધી હતી. તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની કુલ 2052 નાની-મોટી બોટલો મળી આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં કાર ચાલક આકાશ નાનજી તળપદા અને તેના સહયોગી મયુર દિનેશ તળપદાનો સમાવેશ થાય છે.


તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ દારૂનો જથ્થો નડિયાદના નામચીન બૂટલેગર જીતુ રાજુ તળપદા અને તેના સાથી ગનીએ મંગાવ્યો હતો. આરોપીઓ પોલીસથી બચવા માટે 'જંગી' (Zangi) સિક્યોર એપ્લિકેશનનો ઉપયોગ કરી પાયલોટિંગ કરી રહેલા ગનીના સંપર્કમાં હતા. ગનીએ તેમને સૂચના આપી હતી કે જો પોલીસ રોકે તો 'આ યાસ્મીનની લાઈનની કાર છે' તેવું કોડવર્ડ કહેવું. આ દારૂનો જથ્થો અર્જુન દંતાણી અને કિરણ તળપદા સુધી પહોંચાડવાનો હતો. હાલમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

Advertisement