નડિયાદના અમદાવાદી બજારમાં આવેલા શાંતિ ફળિયામાં કોલેરાનો કેસ જોવા મળતા મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. શાંતિ ફળિયાની આસપાસના બે કિ.મી. વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને ખાણીપીણીની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
કોલેરાનો રોગચાળો સંભવત: દૂષિત પાણી પીવાથી તેમજ આ પાણીના વપરાશથી બનતા, ખુલ્લા બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થો જેવા કે શેરડીનો રસ, દૂષિત પાણીની બનતો બરફ, કુલ્ફી, સ્થાનિક ઠંડા પીણાં, છાશ, દૂધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતો હોવાથી આ રોગચાળાને અટકાવવા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જાહેરનામું પ્રસિદ્વ કરાયું હતું.
જાહેર જનતાનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકાવવાના હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત પ્રકાશ યાદવે શહેરના શાંતિ ફળિયા,અમદાવાદ દરવાજા બજાર અને આજુબાજુના ર કિ.મી. વિસ્તારને આજથી ૧ર જુલાઇ, ર૦રપ સુધીન સમયગાળા માટે ભયગ્રસ્ત જાહેર કરીને સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા અને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મનપાના મેડીકલ ઓફિસરની નિયુકિત કરી છે. વધુમાં અ સમયગાળા દરમ્યાન ખાદ્ય પદાર્થના ધંધાથી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઇ, ગોળ, ખજૂર સહિત ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા. શાકભાજી કે ફળોને કાપીને ખુલ્લા ન રાખવા, શહેરના તમામ ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા, દુકાનદારોએ ખાદ્ય પદાર્થ યોગ્ય રીતે ઢાંકીને રાખવા સહિતની આરોગ્યલક્ષી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. વધુમાં કોલેરાગ્રસ્ત વિસ્તારના ખાનગી દવાખાના, લેબોરેટરીમાં કોલેરાના નોંધાતા કેસોની દરરોજ મે.ઓફિસર, નડિયાદ મનપાને મોકલવાના રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશેની તાકિદ કરવામાં આવી છે.