Advertisement

નડિયાદમાં જાહેરમાં કચરો ફેંકનાર 20 લોકો પાસેથી વધુ 40 હજાર રૂપિયાનો દંડ મનપા દ્વારા વસુલાયો

નડિયાદમાં જાહેરમાં કચરો ફેંકનાર 20 લોકો પાસેથી વધુ 40 હજાર રૂપિયાનો દંડ મનપા દ્વારા વસુલાયો

નડિયાદ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર 20 લોકો પાસેથી વધુ 40 હજાર રૂપિયાનો દંડ મનપા દ્વારા વસુલાયો હતો. નડિયાદ શહેરમાં વર્ષો જૂની ગંદકીની સમસ્યાનો મનપા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. મહેસાણાની એજન્સી પાસે સર્વે કરાવીને જીપીએસ સિસ્ટમ સાથે ડોર ટુ ડોરની કામગીરી શરૂ કરવા ઉપરાંત પોઇન્ટ ઉપરથી પણ નિયમિત રીતે કચરો ઉપાડવામાં આવે છે.

કેટલાક શહેરીજનો દ્વારા હજી જાહેરમાં જ કચરો નાખવામાં આવતો હોવાનું ધ્યાને આવતા તંત્રએ લોકો શિસ્તમાં રહે અને જાહેરમાં ગંદકી કરવાનું બંધ કરે તે માટે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી, પરંતુ હજી પણ લોકો એંઠવાડથી લઈને કચરો જાહેરમાં નાખતા જોવા મળે છે. મંગળવારે મનપાની ટીમ દ્વારા 20 થી વધુ લોકોને જાહેરમાં ગંદકી ફેલાવવા બાબતે રૂ. 40 હજારથી વધુનો દંડ વસૂલ્યો હતો. આગામી દિવસોમાં પણ જાહેરમાં કચરો ફેંકનારા સામે મનપા કાર્યવાહી કરશે.

મેટ્રો સીટીની જેમ માર્કેટ એરિયામાં ડસ્ટબિન મૂકી શકાય

નડિયાદમાં હાલમાં જે મુખ્ય બજાર વિસ્તાર છે, ત્યાં કોર્પોરેશન દ્વારા કોઇ ડસ્ટબીન મૂકવામાં આવ્યા નથી. મેટ્રો સીટીમાં માર્કેટ એરિયામાં સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબીન મૂકવામાં આવે છે. જેથી માર્કેટમાં હરતા ફરતા પણ કચરો નાખવાનો થાય તો નગરજનો તેમાં નાખી શકે. જોકે, નડિયાદના મુખ્ય બજારમાં આવા ડસ્ટબીન નથી. ત્યારે નડિયાદ મનપા દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રેશબીન મૂકવામાં આવે તો માર્ગ ઉપર કચરો ઠલવાતો બંધ થાય.

Advertisement