Advertisement

નડિયાદમાં 'ચૂંટણી બહિષ્કાર'નું રણશિંગું: SRP ફાટકનો રસ્તો બંધ કરાતા હજારો રહીશો રસ્તા પર ઉતર્યા

નડિયાદમાં 'ચૂંટણી બહિષ્કાર'નું રણશિંગું: SRP ફાટકનો રસ્તો બંધ કરાતા હજારો રહીશો રસ્તા પર ઉતર્યા

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના મંજીપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વિરોધના સૂર તેજ બન્યા છે. છેલ્લા સાડા ચાર દાયકાથી હજારો લોકો માટે 'જીવનરેખા' સમાન એવો SRP રેલવે ફાટકનો રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ માર્ગ બંધ થવાથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને મહિલાઓની મુશ્કેલીમાં તોતિંગ વધારો થયો છે.


 સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કપડવંજ રોડ પર આવેલા SRP કેમ્પ સામેની ભાગ્યલક્ષ્મી, શુભલક્ષ્મી, ધનલક્ષ્મી સહિત આદિત્યનગર, જલારામ પાર્ક અને રવિકુંજ જેવી 20થી વધુ સોસાયટીઓના રહીશો છેલ્લા 40-45 વર્ષથી આ રેલવે ફાટકવાળા માર્ગનો ઉપયોગ કરતા હતા. આ રસ્તો શહેરના મુખ્ય માર્ગ સાથે જોડાતો હોવાથી અવરજવર માટે અત્યંત અનુકૂળ હતો. પરંતુ કોઈ પણ પૂર્વ સૂચના વગર આ રસ્તો બંધ કરી દેવાતા લોકોની દૈનિક ગતિવિધિઓ ખોરવાઈ ગઈ છે.


 આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, "જો અમારો વર્ષો જૂનો રસ્તો ફરી શરૂ કરવામાં નહીં આવે, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અમે સામૂહિક બહિષ્કાર કરીશું." ચૂંટણી ટાણે જ આટલી મોટી સંખ્યામાં લોકોએ બહિષ્કારનું શસ્ત્ર ઉગામતા રાજકીય આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.


 સ્થાનિકોએ આ ગંભીર પ્રશ્ને રેલવે મંત્રી અને સ્થાનિક સાંસદને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. નોકરીએ જતી મહિલાઓએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે રસ્તો બંધ હોવાથી અમારે લાંબો ફેરો ખાવો પડે છે અને સુરક્ષાનો પણ પ્રશ્ન ઉભો થયો છે. જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ આક્રમક બનાવવાની તૈયારી રહીશોએ કરી લીધી છે.

Advertisement