Advertisement

નડિયાદમાં બે મંદિરોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

નડિયાદમાં બે મંદિરોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

નડિયાદ : નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ મોટા કુંભનાથ મહાદેવ મંદિર તેમજ તાલુકાના સલુણ ગામે આવેલા અંબે માતાના મંદિરમાં થયેલી ચોરીના ગંભીર બનાવોમાં ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને નડિયાદ ટાઉન પોલીસે સંયુક્ત રીતે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી લીધો છે. પોલીસે બંને મંદિરોમાં ચોરી કરનાર એક જ રીઢા તસ્કરને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે 13 કિલો ચાંદી અને સોનાના દાગીના સહિતનો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે.

રાત્રિના અંધારામાં તાળાં તોડી ચોરી

ગત 14 જાન્યુઆરીના રોજ નડિયાદ ટાઉન વિસ્તારમાં આવેલા મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈ ગર્ભગૃહના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાંથી સોના-ચાંદીના દાગીના તેમજ સેવા-પૂજાના સાધનોની ચોરી કરવામાં આવી હતી. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

આ પહેલા 8 જાન્યુઆરીના રોજ નડિયાદ તાલુકાના સલુણ તળપદ ગામે આવેલા અંબે માતાના મંદિરમાં પણ આવો જ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. પૂજારી બિપીનભાઈ પટેલ સવારે મંદિરે પહોંચ્યા ત્યારે જાળીના તાળાં તૂટેલા હતા અને માતાજીના આભૂષણો ગાયબ હતા.

150થી વધુ CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ખુલ્યો ભેદ

એક જ સપ્તાહમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે ધાર્મિક સ્થળોને નિશાન બનાવાતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની કુલ સાત ટીમો રચાઈ હતી. પોલીસે આસપાસના 150થી વધુ CCTV કેમેરા, નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ તેમજ ઈ-ગુજકોપ પોર્ટલના આધારે શંકાસ્પદોની યાદી તૈયાર કરી તપાસ શરૂ કરી હતી.

હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે નડિયાદના ખાડ વિસ્તારનો રહેવાસી વિનોદ ઉર્ફે વિનુ તળપદા આ ચોરીમાં સંડોવાયેલો છે અને તે ચોરીનો સામાન લઈને એક્ટિવા પર સલુણ તરફથી ઘરે જઈ રહ્યો છે.

વોચ ગોઠવી આરોપી ઝડપાયો

પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી વર્ણન મુજબના એક્ટિવા પર આવતા આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. સઘન પૂછપરછમાં તેણે મોટા કુંભનાથ મહાદેવ મંદિર તેમજ સલુણના અંબે માતાના મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તપાસમાં ખુલ્યું કે આરોપીએ જે એક્ટિવા ઉપયોગમાં લીધી હતી તે પણ 12 જાન્યુઆરીના રોજ નડિયાદ ટાઉન વિસ્તારમાંથી ચોરેલી હતી.

જંગી મુદ્દામાલ રિકવર

પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:

  • 7.140 કિલો ચાંદીની પાંચ નાગમુખ વાળી નાગ દેવતાની મૂર્તિ (કિંમત રૂ. 2.14 લાખ)
  • 2 કિલો ચાંદીની ગાગર
  • ચાંદીના પગરખાં, છત્તર અને ત્રિશૂળના ટુકડા
  • સોનાનો ગિલેટ ચઢાવેલ મુગટ અને કાનની બુટ્ટીઓ
  • સલુણ મંદિરમાંથી ચોરાયેલી રૂ. 1.90 લાખની મત્તા

અગાઉ પણ 12 ગુનામાં સંડોવાયેલ

ઝડપાયેલ આરોપી વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદા (ઉ.વ. 48) રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેના વિરુદ્ધ મહેમદાવાદ, કાગડાપીઠ, ખોખરા, ખેડા ટાઉન અને નડિયાદ ટાઉન પોલીસ મથકોમાં પ્રોહિબિશન, જુગાર, રાયોટીંગ અને ચોરી સહિતના કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. અસામાજિક પ્રવૃત્તિઓને કારણે તેને અગાઉ પાસા હેઠળ પણ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીથી ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે જનતામાં વિશ્વાસ મજબૂત બન્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement