નડિયાદમાં 150 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:ગંજ બજારમાંથી રૂ.10,000નો દંડ વસૂલ કરાયો
નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અભિયાન હેઠળ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત આજે શહેરના ગંજ બજાર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 150 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી ₹10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સેનેટરી વિભાગના ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંકભાઈ દેસાઈ અને તેમની ટીમે ગંજ બજારમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. તંત્રની આ અચાનક કાર્યવાહીથી બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તપાસ દરમિયાન ગંજ બજારમાં આવેલી દુકાન નંબર 24, 'રોયલ એન્ટરપ્રાઈઝ'માંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો સ્ટોક મળી આવ્યો હતો.
સેનેટરી વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પરથી અંદાજિત 150 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ પ્લાસ્ટિકના જથ્થાને તંત્રએ પોતાના કબજામાં લઈ તેના નિકાલની પ્રક્રિયા હાથ ધરી છે.
નિયમોના ઉલ્લંઘન બદલ 'રોયલ એન્ટરપ્રાઈઝ' પાસેથી ₹10,000નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વચ્છતા મિશન અંતર્ગત આવી કામગીરી ચાલુ રહેશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે.