નડિયાદ: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની આડમાં સોશિયલ મીડિયા પર પાયાવિહોણી અફવાઓ ફેલાવી જનતામાં ગભરાટ પેદા કરવા બદલ નડિયાદ પોલીસે એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ફેસબુકના માધ્યમથી અનાજ, પેટ્રોલિયમ પેદાશો અને બેંકિંગ સેવાઓ ખોરવાઈ જવાની ખોટી માહિતી પ્રસારિત કરી હતી, જેના કારણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ૨૩ માર્ચથી ૨૪ માર્ચ ૨૦2૬ દરમિયાન 'રાણા જીગ્નેશભાઈ પી.' નામના ફેસબુક આઈડી પરથી એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુદ્ધને કારણે દેશમાં રાશન અને ઈંધણની ભારે અછત સર્જાશે. આરોપીએ લોકોને જીવનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ આપી હતી અને એવો પણ ખોટો દાવો કર્યો હતો કે ગેસના બોટલ મળવા મુશ્કેલ બન્યા છે તથા પેટ્રોલ-ડીઝલ અને ખાદ્ય તેલનો પુરવઠો બંધ થઈ જવાની શક્યતા છે.
પોતાની વાત સાચી ઠેરવવા માટે આરોપીએ સોશિયલ મીડિયા પર એવો અનુભવ લખ્યો હતો કે, તેણે નડિયાદના ચાર પેટ્રોલ પંપ પર ભટક્યા બાદ માંડ એક પંપ પર એક કલાક લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ મેળવ્યું હતું. આટલું જ નહીં, તેણે લોકોને ઘરમાં રોકડ રકમ રાખવા માટે ઉશ્કેરતા લખ્યું હતું કે જો ઇન્ટરનેટ સેવાઓ બંધ થશે તો બેંકના સર્વર ડાઉન થઈ જશે અને એટીએમ કે ઓનલાઈન વ્યવહારો અટકી પડશે. આવી ભ્રામક વાતોથી સામાન્ય નાગરિકોમાં ભય અને અંધાધૂંધીનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મામલે સલુણ બજાર પોલીસ ચોકીના એ.એસ.આઈ. રાવજીભાઈ ઈશ્વરભાઈ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન આ પોસ્ટ ધ્યાને લેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ, સમાજમાં અફવા ફેલાવવાના આ કૃત્યને ગંભીર ગણી આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતી આવી કોઈ પણ પુષ્ટિ વગરની માહિતી પર વિશ્વાસ ન કરવો અને અફવાઓ ફેલાવવાથી બચવું.