Advertisement

નડિયાદ: સિવિલ હોસ્પિટલ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી ચકચાર

નડિયાદ: સિવિલ હોસ્પિટલ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી ચકચાર

નડિયાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સોમવારે બપોરના સમયે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલાં ઉદ્યાન પાસેના પાર્કિંગમાં બે દ્વિચક્રી વાહનોની વચ્ચે કોથળામાં મૃત બાળકને ત્યજીને જતું રહ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને તપાસ કરતાં શિશુ મૃત હાલતમાં હોવાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. 7 મહિનાના ગર્ભમાં રહેલ નવજાત શિશુનો મૃતદેહ કોણ અહીં મૂકી ગયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સોમવારે બપોરના સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ 7 મહિનાના નવજાત શિશુનો મૃતદેહ મૂકીને જતો રહ્યો હતો. એક મુલાકાતી દ્વારા જાણ કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો લઇને તેને કોણ ત્યજી ગયું તેની તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં લાગેલાં સીસીટીવી કેમેરામાં કાળા રંગનું જેકેટ પહેરીને આવેલો એક ઇસમ શંકાના દાયરામાં હોવાથી હાલમાં પોલીસ તેની તપાસ કરી રહી છે.

બાળકના મૃતદેહને જોયા બાદ તે ખોડખાપણવાળું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું છે. ત્યારે બાળક મૃત જન્મ્યુ હતું કે પછી જન્મ બાદ તે ખોડખાપણવાળું હોવાથી પરિવારે તેને ત્યજી દીધું કે પછી મૃત બાળક હોવાથી પરિવાર તેને ત્યજીને જતો રહ્યો તેની તપાસ પોલીસ કરી રહી છે. હાલમાં સિવિલમાં જન્મેલાં બાળકોના પરિવારની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સીસીટીવીમાં દેખાયેલાં વ્યક્તિની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

બપોરે 2ઃ10 વાગ્યા પછી કોઇ થેલો મૂકી ગયુ

પાર્કિંગમાં હું રાઉન્ડ પર હતો . જે દરમિયાન બે બાઈક વચ્ચે એક નવજાત શિશુ દેખાયું હતું. નજીક જઈને જોતા નવજાત શિશુ મૃત હાલતમાં દેખાઈ આવ્યું હતું. જેને લઈ મેં ટ્રોમા સેન્ટરમાં જઈ અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ અધિકારીઓ દોડીને બહાર આવ્યા હતા અને નવજાત શિશુ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે, બપોરના સમયે એક બાઈક ચાલક 2:10 ના અરસામાં બાઈક મૂકીને ગયો હતો. તે દરમિયાન નવજાત શિશુ ત્યાં હતું નહીં. કચરા પેટી પાસે ગાય, કૂતરા ફરતા હોવાના કારણે બાળક કચરા પેટીમાં હતું કે કોઇ બહાર મુકીને જતું રહ્યું છે તેની જાણ નથી. > મુકેશભાઈ ડાભી, સિક્યુરિટી

પોલીસે હોસ્પિટલમાં થયેલી પ્રસુતિની વિગતો મેળવી

સિવિલ હોસ્પિટલના પરિસરમાંથી મળી આવેલાં નવજાત શીશુના મૃતદેહને લઇને હાલમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 25 ડિલીવરી થઇ, જેમાંથી 3 પ્રિ-મેચ્યોર ડિલીવરી થઇ હતી. હાલમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ થઇ હોય તે તમામની વિગતો લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement