Advertisement

નડિયાદ: સંતરામ રોડ પર આવેલી જાણીતી 'જ્યોતિ દાલપુરી'માં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા

નડિયાદ: સંતરામ રોડ પર આવેલી જાણીતી 'જ્યોતિ દાલપુરી'માં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. શહેરના ધમધમતા સંતરામ રોડ પર આવેલી અને લોકોમાં અત્યંત લોકપ્રિય એવી 'ગ્રાન્ડ જ્યોતિ રેસ્ટોરન્ટ' (જ્યોતિ દાલપુરી)માં બુધવારના રોજ ફૂડ વિભાગે આકસ્મિક દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


ફરિયાદના આધારે તપાસનો દૌર

મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અંગે એક ગંભીર ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ઉચ્ચ અધિકારીઓ અને તેમની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના રસોડામાં જઈને રાંધવામાં આવતા ખોરાકની રીત, ત્યાં રાખવામાં આવતી સ્વચ્છતા અને વપરાતા તેલ તેમજ અન્ય મસાલાઓની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી.


સેમ્પલ સીલ કરી લેબોરેટરીમાં મોકલાયા

ફૂડ વિભાગના અધિકારીઓએ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતી તૈયાર વાનગીઓ તેમજ રસોઈમાં વપરાતા કાચા માલના વિવિધ નમૂનાઓ લીધા હતા. આ તમામ સેમ્પલને સ્થળ પર જ સીલ કરી વડોદરા સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ સેમ્પલનો રિપોર્ટ આવતા અંદાજે એક માસ જેટલો સમય લાગી શકે છે. જો રિપોર્ટમાં ખાદ્ય પદાર્થો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાશે, તો રેસ્ટોરન્ટ સંચાલક સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


હોટલ સંચાલકોમાં ફફડાટ

નડિયાદની જાણીતી રેસ્ટોરન્ટમાં થયેલી આ કાર્યવાહીને પગલે શહેરની અન્ય હોટલો અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે તંત્ર માત્ર ફરિયાદ મળે ત્યારે જ જાગવાને બદલે શહેરની તમામ ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં નિયમિત રીતે આકસ્મિક તપાસ કરે તે લોકહિતમાં જરૂરી છે.

Advertisement