નડિયાદ શહેરના પ્રગતિનગર વિસ્તારમાં આજે હાઉસિંગ બોર્ડ દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડની ટીમ દ્વારા જેસીબી મશીનની મદદથી કરાયેલી કાર્યવાહીમાં પાંચ મકાનો ધરાશાયી કરવામાં આવ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રગતિનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદે બાંધકામ થયેલું હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ જેસીબી દ્વારા મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક રહીશો ઘબરાઈ ગયા હતા અને કેટલાક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે, પોલીસની હાજરીને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉથી નોટિસ આપવામાં આવ્યા બાદ પણ બાંધકામ દૂર કરવામાં ન આવતાં કાયદેસર કાર્યવાહી કરવી ફરજિયાત બની હતી.
આ કાર્યવાહીમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનો ધરાશાયી થતા રહીશોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે હાઉસિંગ બોર્ડની કાર્યવાહી અંગે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.