નડિયાદ પોલીસે ૧.૧૪ લાખનો દારૂ ઝડપીને ગુનો નોંધ્યો, આરોપી નાસી છૂટયો
નડિયાદ : મહેમદાવાદના નેનપુર ચોકડી પાસેથી છોટાહાથીમાંથી રૂપિયા ૧.૧૪ લાખનો દેશી દારૂ ઝડપાયો હતો, જ્યારે આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટયો હતો. તેમજ પોલીસે દારૂનો જથ્થો, વાહન મળીને રૂ. ૨.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા એલસીબીની ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, મહેમદાવાદ ટીમલી બસ્કરના ટેકરા વિસ્તારનો બુટલેગર પંકેશ ઉર્ફે ડહ્યા ચુનારા દારૂની હેરાફેરી કરી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે નેનપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ છોટાહાથી વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ન અટકાવતા પોલીસે પીછો કર્યોે હતો. ત્યારે થોડે દૂર જઈને ચાલક વાહનને બિનવારસી મૂકી ખેતરના રસ્તે ભાગી ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા તેમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી મીણીયાની કોથળીઓમાં દેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે રૂપિયા ૧.૧૪ લાખનો દેશી દારૂનો જથ્થો, વાહન મળીને કુલ રૂપિયા ૨.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.