નડિયાદ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકીની બદલી સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. માત્ર એક વર્ષ અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં તેમની બદલી થતા નડિયાદ પાલિકા વર્તુળો અને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. જી.એચ. સોલંકી હવે સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સંભાળશે અને ત્યાં વધારાનો હવાલો સંભાળતા કે.એસ. યાજ્ઞિકને આ જવાબદારીમાંથી મુક્ત કરશે.
નડિયાદ મહાનગરપાલિકામાં સોલંકીના સવા વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે શહેરના વિકાસ માટે બે મહત્વના બજેટ રજૂ કર્યા હતા. વહીવટી કુશળતાને કારણે તેમની બદલીને સરકારની નિયમિત પ્રક્રિયા ગણવામાં આવી રહી છે, પરંતુ ટૂંકા સમયમાં થયેલા આ ફેરફારથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બીજી તરફ, સરકાર દ્વારા હાલમાં નડિયાદ મહાનગરપાલિકામાં નવા કમિશનરની નિમણૂક અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને કારણે અત્યારે આ મહત્વની જગ્યા ખાલી પડી છે.
નડિયાદમાં નવા કમિશનર તરીકે સરકાર કોની પસંદગી કરે છે તેના પર અત્યારે સૌની મીટ મંડાયેલી છે. વહીવટી કારણોસર થયેલી આ બદલીથી આગામી દિવસોમાં નડિયાદના સ્થાનિક વહીવટ અને રાજકારણમાં પણ નવા સમીકરણો રચાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જ્યાં સુધી નવા કમિશનર હાજર ન થાય ત્યાં સુધી પાલિકાના રોજિંદા વહીવટી કામો પર તેની શું અસર પડશે તે જોવું રહ્યું.