નડિયાદ મનપાની અણઘડ કામગીરી: સરદાર ભુવનનો માર્ગ બંધ, 'વનવે' ખુલ્લો છતાં ફૂટપાથ કામથી ટ્રાફિકજામ
નડિયાદ શહેરમાં સરદાર ભુવન કોમ્પલેક્સ તોડવાની કામગીરીને કારણે મુખ્ય માર્ગ બંધ કરાયો હતો. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં, આયોજનના અભાવે રેલવે સ્ટેશન અને શ્રેયસ ગરનાળા પાસે ભયાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. મહાનગરપાલિકાની અણઘડ કામગીરીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
ફૂટપાથની અધૂરી કામગીરી અચાનક શરૂ કરી
સરદાર ભુવનવાળો મુખ્ય માર્ગ બંધ થતાં, ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રેલવે સ્ટેશનથી ગરનાળા તરફ જતો 'વનવે' માર્ગ બંને દિશાના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, આ પરિવર્તનને ધ્યાનમાં લીધા વિના, નડિયાદ મહાનગરપાલિકાએ આ જ વ્યસ્ત માર્ગ પર ફૂટપાથની અધૂરી કામગીરી અચાનક શરૂ કરાવી દીધી હતી. આશ્ચર્યજનક રીતે, ફૂટપાથની કામગીરી માટે આવેલા ટ્રેક્ટરોને ભરચક રસ્તાની વચ્ચે જ પાર્ક કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અટકેલું ફૂટપાથનું કામ બરાબર એવા સમયે શરૂ કરવામાં આવ્યું, જ્યારે વૈકલ્પિક માર્ગ પર ટ્રાફિકનું દબાણ સૌથી વધુ હતું. પાલિકાની આ સમયસૂચકતા વગરની નીતિ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની હતી.
અંધાધૂંધીને કારણે ત્રિભેટો સર્જાયો
એક તરફ સંતરામ રોડથી આવતો ટ્રાફિક, બીજી તરફ સ્ટેશનથી બહાર નીકળતો પ્રવાહ અને ત્રીજી તરફ ગરનાળા માર્ગે પસાર થતા વાહનચાલકો સામસામે આવી ગયા હતા. સાંકડા માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. ટ્રાફિકની આ વિકટ સ્થિતિમાં બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી એસ.ટી. બસોએ વધુ મુશ્કેલી ઊભી કરી હતી. સ્ટેશન રોડ અને બસ સ્ટેન્ડની બહાર નીકળતી બસો વચ્ચે ટ્રાફિક એટલો ગૂંચવાયો હતો કે ટુ-વ્હીલર ચાલકો માટે પણ રસ્તો કાઢવો મુશ્કેલ બન્યો હતો. આ પોઈન્ટ પર તંત્ર દ્વારા કોઈ પૂર્વ આયોજન કે ટ્રાફિક મેનેજમેન્ટની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી.
ઢાળ ચઢતી વખતે વાહનો થંભી ગયા
સૌથી ભયાનક દ્રશ્યો શ્રેયસ ગરનાળાના ઢાળ પર જોવા મળ્યા હતા. ઢાળ ચઢતી વખતે વાહનો થંભી જતા પાછળ ગબડવાની ભીતિ હતી અને સાંકડી જગ્યામાં વાહનો એકબીજા સાથે અથડાતા સહેજમાં રહી ગયા હતા. વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મનપાની આ બેદરકારી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માતને નોંતરી શકે તેમ હતી.
ટ્રાફિક જવાનોએ મોરચો સંભાળ્યો
અંતે સ્થિતિ બેકાબૂ બનતા ટ્રાફિક પોલીસના જવાનોએ સ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો હતો. પોલીસે જહેમત ઉઠાવીને રસ્તા પર આડેધડ ઉભેલા વાહનો અને પાલિકાના કામમાં વપરાતા વાહનોને વ્યવસ્થિત કરાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના વહીવટદારો માત્ર કામગીરીના આંકડા બતાવવામાં વ્યસ્ત હોય તેમ લાગે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સામાન્ય જનતાને પડતી હાલાકી જોનારું કોઈ નથી.