નડિયાદ મનપામાં વરસાદના પાણી ઘૂસતાં દસ્તાવેજ પલળી ગયા
નડિયાદ : નડિયાદ મનપાની કચેરીના ધાબા પર સમારકામ ચાલી રહ્યું છે. બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.સમારકામની કામગીરી વચ્ચે મનપાના તમામ વિભાગોમાં પાણી ઉતર્યું હતું અને રેકર્ડ રૂમમાં પાણી ઉતરતા દસ્તાવેજો પલળી જતા નુકસાન થયું હતું. આ મામલે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારી સામે આવી છે.
નડિયાદ મનપાની બિલ્ડિંગના ધાબા પર ફ્લોર તોડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે.
આજે વહેલી સવારે નડિયાદ સહિત જિલ્લામાં વરસાદ પડયો હતો અને ફ્લોર તોડેલો હોવાથી મનપા કચેરીમાં પાણી ઉતર્યું છે.
ચાર મહિનાના મપના મહત્વાના દસ્તાવેજો રેકર્ડ વિભાગમાં મૂકેલા હતા અને ત્યાં પાણી ઉતર્યું છે.આ વિભાગના મોટાભાગના કાગળો પલળી ગયા છે.
આ દસ્તાવેજોને છૂપાવવા માટે ઉચ્ચ અધિકારીઓથી માંડી કર્મચારીઓ દ્વારા રેકર્ડ રૂમમાં પ્રવેશબંધી ફરમાવી દીધી છે. મનપાના કમિશનરથી માંડી ડેપ્યુટી કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પોતાની ચેમ્બરમાં જતા પાણી જોવા મળ્યું હતું. એટલું જ નહીં પાણી નિકાલ થયા બાદ અધિકારીઓ ચેમ્બરમાં આવ્યા હતા.
મનપામાં હવે ઉચ્ચાધિકારીઓના હાથમાં બાગડોર છે. આ વરસાદની આગાહી સપ્તાહ પહેલાથી જ હતી, તેવા સમયે મનપા દ્વારા રેકર્ડ સહિત વરસાદના કારણે કચેરીમાં નુકસાન ન થાય તે માટે આયોજન કરવાની જરૂર હતી. પરંતુ આગાહી હોવા છતાં રેકર્ડ સુરક્ષિત ન કરાતા ભારે નુકસાન થયુ છે.