નડિયાદ મનપા એક્શન: બીજા દિવસે પણ 4 દુકાનો સીલ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાને લઈ મિલકતધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મંગળવારે સતત બીજા દિવસે પણ સંતરામ નિલયમ કોમ્પલેક્ષની 4 દુકાનો 1.21 લાખનો વેરો બાકી હોવાના કારણે સીલ કરવામાં આવી હતી. ત્યારે 11 દુકાનદારો પાસેથી 3.74 લાખથી વધુની રકમ વસૂલ કરવામાં આવી હતી.
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી વેરાને લઇ મિલકતધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સીલ મારવાની કામગીરી પણ કરવામાં આવી છે. ત્યારે મંગળવારે મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા નડિયાદ શહેરમાં આવેલ સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં આવેલ 4 દુકાનોના 1.21 લાખથી વધુની રકમનો વેરો બાકી હોવાને કારણે દુકાનો સીલ કરી હતી. જેમાં સોમવારે પણ સંતરામ નિલયમ કોમ્પલેક્સમાં 5 દુકાનો સીલ કરવામાં આવી હતી. જોકે, મંગળવારે મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા 11 દુકાનદારો પાસેથી રૂપિયા 3.74 લાખથી વધુની રકમ વસૂલવામાં આવી હતી.
જોકે, શહેરમાં બાકી વેરાને લઈ આવનાર સમયમાં પણ મિલકતધારકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેમ વેરા વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે, હવે રિબેટની અંતિમ તારીખ નજીક હોવાછતાં પણ કેટલાક કરદાતાઓ વેરો ભરવામાં આળસ કરી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્રએ અત્યાર સુધીમાં કુલ 88 મિલ્કતોને સીલ કરીને 19 લાખથી વધુના બાકી વેરાની વસુલાત કરી છે.
રિબેટની રકમનો બિલમાં ઉલ્લેખ નથી
વર્ષ 2024 માં જે રિબેટની રકમ હોય તેને કુલ વેરામાંથી કમી કરી, ફાઇનલ ભરવાની રકમ બિલમાં જ લખી આપવામાં આવી હતી. જોકે, ચાલુ વર્ષે બિલમાં રિબેટ બાદ કુલ કેટલી રકમ ભરવાની રહેશે તે લખવામાં આવ્યું નથી. જેને કારણે કેટલાક કરદાતાઓ કુલ કેટલાં રૂપિયાનો લાભ થશે તેને લઇને મૂંઝવણ અનુભવી રહ્યા છે.